કાલથી ત્રીજી ટેસ્ટઃ કોનો, કોની સામે થશે જંગ?

રાંચીઃ બેંગલુરુ ટેસ્ટમાં ડીઆરએસ મુદ્દે વિરાટ અને સ્મિથનો વિવાદ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. રાંચી ટેસ્ટ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમે ખાસ રણનીતિ તૈયાર કરી ત્યારે અલગ અલગ ખેલાડીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે એટલે કે ડેવિડ વોર્નરની સામે રણનીતિ બનાવતી વખતે આર. અશ્વિનની બોલિંગને ખાસ ધ્યાનમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અશ્વિન વોર્નરને નવ વાર આઉટ કરી ચૂક્યો છે. આ શ્રેણીમાં એવી ઘણી જોડીઓ તૈયાર થઈ ગઈ છે, જેમાં એક શિકારી નજરે પડે છે તો બીજો શિકાર… ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ રાંચીમાં આવતી કાલે સવારે ૯.૩૦ વાગ્યાથી શરૂ થશે. શ્રેણીમાં હાલ બંને ટીમ ૧-૧ની બરોબરી પર છે.

આર. અશ્વિન Vs વોર્નર
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું છે કે તે ત્રીજી ટેસ્ટમાં પણ અશ્વિન સામે આક્રમક વલણ અપનાવતાં અચકાશે નહીં. ૧૮ ટેસ્ટ સદી અને લગભગ ૪૯.૦૦ રનની સરેરાશથી રમી રહેલા વોર્નરે આ શ્રેણીની ચાર ઇનિંગ્સમાં ૨૫.૦૦ રનથી ઓછી સરેરાશથી ફક્ત ૯૮ રન જ બનાવ્યા છે. દુનિયાના પાંચમા ક્રમના બેટ્સમેન વોર્નરે દાવો કર્યો છે કે આગામી ટેસ્ટમાં તે અલગ રણનીતિ સાથે અશ્વિનને જવાબ જરૂર આપશે.

કે. એલ. રાહુલ Vs નાથન લિયોન
શ્રેણીમાં ભારતનાે સૌથી સફળ બેટ્સમેન લોકેશ રાહુલ અત્યાર સુધીમાં બે વાર જમણેરી ઓફ સ્પિનર નાથન લિયોન અને બે વાર ડાબોડી સ્પિનર સ્ટીવ ઓ’કીફનો શિકાર બન્યો છે. લિયોને બેંગલુરુમાં રાહુલને તેની કરિયરની પાંચમી સદી પૂરી કરવા દીધી નહોતી. ઓસ્ટ્રેલિયન સ્પિનર્સ ફરી એક વાર રાહુલ સામે ખાસ રણનીતિ સાથે મેદાનમાં ઊતરશે.

રવીન્દ્ર જાડેજા Vs સ્ટીવ સ્મિથ
રવીન્દ્ર શ્રેણીમાં અત્યાર સુધીમાં બે વાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથની વિકેટ ઝડપી ચૂક્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટમાં ૧૨ વિકેટ ઝડપી ચૂકેલા જાડેજાનો કેપ્ટન વિરાટ કોહલી થોડો વધુ ઉપયોગ કરશે. જાડેજા શ્રેણીમાં ખાસ કરીને કેપ્ટન સ્મિથ પર પોતાનું દબાણ બનાવતો નજરે પડ્યો છે.

વિરાટ કોહલી Vs નાથન લિયોન
ખુદ કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગ ટીમ ઇન્ડિયા માટે પરેશાનીનું કારણ બની છે. ગત વર્ષે ૧૨૦૦થી વધુ રન બનાવનારાે વિરાટ આ શ્રેણીમાં બે વાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડનો શિકર બન્યો છે, જ્યારે બે વાર સ્ટીવ ઓ’કીફ અને નાથન લિયોન જેવા સ્પિનર્સે વિરાટને આઉટ કર્યો છે. સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાની ટીમની બહાર થઈ ગયા બાદ લિયોન ભારતીય કેપ્ટનને નિશાન બનાવવાની કોશિશ જરૂર કરશે, પરંતુ આ શ્રેણીની ચાર ઇનિંગ્સમાં ૪૦ રન બનાવનારાે કોહલી પોતાના ખરાબ ફોર્મનો પડછાયો પાછળ છોડી દેશે તો ઓસ્ટ્રેલિયાની ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

સ્ટીવ સ્મિથ Vs વિરાટ કોહલી
કાંગારું કેપ્ટન સ્ટીવ સ્મિથ પર રાંચી ટેસ્ટમાં ઘણાં કારણથી વધારાનું દબાણ છે. સ્મિથને શ્રેણીમાં વળતો હુમલો કરી રહેલી ભારતીય ટીમના આક્રમક વલણને રોકવાનો રસ્તો શોધવાનો છે, એ ઉપરાંત ડીઆરએસ વિવાદના કારણે તેણે પોતાની ટીમના ખેલાડીઓ પર પણ નિયંત્રણ રાખવાનું છે. પુણે ટેસ્ટ જીત્યા છતાં કેપ્ટન સ્મિથ બેકફૂટ પર આવી ગયેલો નજરે પડે  છે, જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન  વિરાટ કોહલીનું વલણ વધુ આક્રમક થઈ ગયું છે.
http://sambhaavnews.com/

You might also like