શહેરના મુખ્ય રસ્તા પરનાં દબાણો સામે આજથી ત્રીજો રાઉન્ડ

અમદાવાદ: હાઇકોર્ટની તાકીદના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગત ઓગસ્ટ મહિનાના પ્રારંભથી શહેરભરના રસ્તા પરનાં દબાણો હટાવીને તેને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લા કરવાની ઝુંબેશને મોટા પાયે હાથ ધરાઇ હતી. તે વખતે તંત્રની આ ઝુંબેશથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો તેમજ સમગ્ર રાજ્યમાં આની ચર્ચા થઇ હતી, જોકે હવે આજથી આ ઝુંબેશને ફરી મોટા પાયે શરૂ કરવાની જાહેરાત શાસકોએ કરી છે.

અગાઉ શહેરના રપ મોડલ રસ્તા તેમજ ટીપી રોડ પરના ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ દબાણને હટાવીને તેને ખુલ્લો કરવાની તંત્રની ઝુંબેશમાં ટ્રાફિક પોલીસ પણ જોડાઇ હતી.

સમગ્ર અમદાવાદમાં તંત્રની રોડ પર દબાણ હટાવ ઝુંબેશને નાગરિકોએ ઉમળકાભેર આવકારી હતી, પરંતુ કેટલાક વિસ્તારમાં સત્તાવાળાઓ સામે દબાણ હટાવવામાં ભેદભાવ અને વગદાર લોકો સામે કાર્યવાહી ન કરવાના આક્ષેપો ઊઠતાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સામાન્ય લોકો હેરાન ન થાય તે ઉદ્દેશ્યથી તેને સ્થગિત કરી હતી.

જોકે રસ્તા પરના કાચા-પાકા બાંધકામ તેમજ લારી-ગલ્લાના દબાણ પૂર્વવત્ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે લગભગ દોઢ મહિના બાદ ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો. ઓકટોબરના પ્રારંભમાં હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશના બીજા રાઉન્ડ હેઠળ કેટલાક દિવસ શહેરમાં ધમધમાટ ચાલ્યો હતો, પરંતુ પછીથી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી બીજો રાઉન્ડ પણ સ્થગિત કરાયો હતો.

જોકે હવે આજથી ત્રીજો રાઉન્ડ શરૂ કરાશે. નાગરિકોમાં રસ્તા પર પુનઃ દબાણોના રાફડેરાફડા ફાટી નીકળ્યા હોઇ ભારે રોષ ફાટી નીકળ્યો છે. જેના કારણે પણ શાસકો શહેરભરમાં વ્યાપકપણે ત્રીજો રાઉન્ડ લેવા જઇ રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કહે છે, આજથી ટીપી રસ્તા તેમજ જાહેર રસ્તા પરના દબાણને ખસેડવા માટે શહેરભરમાં ઝુંબેશ હાથ ધરવાની સૂચના મેં તંત્રને આપી છે. આજથી મોટા પાયે રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાશે.

You might also like