વા‍ળથી પાતળો કોપર તાર પણ કેદી જેલમાં નહીં લઈ જઈ શકે

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર કાચા અને પાકા કામના કેદીઓ પાસેથી મળી આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓ પર રોક લગાવવા માટે જેલ તંત્રએ બોડી સ્કેનર મશીન વસાવ્યું છે. કેદી પોતાના શરીરમાં છુપાવીને કોઇ પણ ચીજવસ્તુ નવી જેલમાં લાવશે તો બોડી સ્કેનર ડિટેક્ટ કરી લેશે. રશિયાથી આવેલા આ બોડી સ્કેનર મશીનની ખાસિયત એ છે કે માથાના વાળ કરતાં પણ પાતળા કોપરના તારને શોધી શકે છે.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇને પૂરતું ધ્યાન આપી રહ્યું છે. જેલમાં કેદીઓ મોબાઇલ ફોનનો ઉપયોગ ના કરે તે માટે 4જી જામર લગાવી દીધાં છે તો બીજી તરફ કેદીઓને ઇમર્જન્સીના સમયે મદદ મળી રહે તે માટે જેલની તમામ બેરેકમાં પેનિક બટન (ઇમર્જન્સી બટન) પણ લગાવવામાં આવ્યાં છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૧૦૦ કરતાં વધુ બેરેક છે જેમાં ૨૬૦૦ કરતાં વધુ કાચા કામ તેમજ પાકા કામના કેદીઓ બંધ છે. દિવસમાં ૯ કલાક જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે તે સમયે કેદીઓની પૂરતી સલામતી રાખવામાં આવે છે. સેન્ટ્રલમાં જેલ અધીક્ષક સહિત ૪૦૦ જેલ સિપાહી, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે. સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે કારણ કે પાકા અને કાચા કામના કેદીઓ એકબીજાને મળીને પોતાના મનસૂબા પાર પાડવા માટેનાં કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ઘડતા હોય છે.

કોઇ પણ કેસમાં સંડોવાયેલા આરોપીને જામીન ના મળે ત્યાં સુધી સેન્ટ્રલ જેલમાં રહેવું પડતું હોય છે જેના કારણે જેલમાં આવતાં પહેલાં આરોપીઓ પ્રતિબંધિત ચીજવસ્તુઓ પોતાના શરીરમાં યેનકેન પ્રકારેણ રીતે છુપાવીને લાવતા હોય છે. જેલ સિપાહીઓ આરોપીઓનું પૂરતું ચેકિંગ કરતા હોય છે તેમ છતાંય તેઓ જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ લઇ જવામાં કામિયાબ થઇ જાય છે.
ખાસ કરીને આરોપીઓ જેલમાં મોબાઇલ, સીમકાર્ડ, ચાર્જર, નશાની ચીજવસ્તુઓ અને રૂપિયા છુપાઇને લાવતા હોય છે.

આરોપીમાં પોતાનાં કપડાંમાં કે પછી બુટ ચંપલમાં આ વસ્તુઓ છુપાવતા હોય છે જ્યારે કેટલાક આરોપીઓ ચીજવસ્તુઓને ગળી જતા હોય છે.  આરોપીઓની આવી હરકતોને રોકવા માટે જેલ સત્તાધીશોએ બોડી સ્કેનર મશીન વસાવ્યું છે. થોડાક દિવસ પહેલાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે રશિયાથી બોડી સ્કેનર મશીન આવ્યું છે. સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા ૧૦ જેલ સિપાહીને આ મશીન ઓપરેટ કરવા માટે ખાસ મુંબઇમાં ટ્રેનિંગ આપવામાં આવી છે.

જેલમાં દરરોજ ૪૦ કરતાં વધુ આરોપીઓ કાચા કામના કેદી તરીકે આવે છે. પોલીસ આરોપીઓને જેલમાં લઇને આવે તે સમયે પહેલાં તેમની એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યાર બાદ તેમનું બોડી સ્કેનર મશીન દ્વારા ચેક કરવામાં આવશે બોડી સ્કેનર મશીનમાં રોલ બેલ્ટ પર તેને ઊભો રાખવામાં આવશે અને તેનાં શરીરને સ્કેનર મશીનમાં ચેક કરવામાં આવશે.

જો કોઇ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ નહીં મળે તો તેને જેલમાં કાચા કામના કેદી તરીકે રવાના કરવામાં આવશે અને જો પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સાબરમતી સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક વી.એચ.ડિંડોરે જણાવ્યું છે કે નવી જેલમાં રોજ ૪૦ કરતાં વધુ કેદીઓ આવે છે જે કોઇ પણ રીતે પોતાનાં શરીરમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ છુપાવીને લાવતા હોય છે તેમને રોકવા માટે અમે બોડી સ્કેનર મશીન લાવ્યા છીએ. થોડાક દિવસ પહેલાં અમે તેનો ડેમો કર્યો.

જેમાં એક વ્યકિતનું બોડી સ્કેન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેના પગમાં ઓપરેશન કરાવ્યું છે અને સળિયા નાખેલા છે જ્યારે અન્ય એક વ્યકિતને ઇયરફોનનો કોપર વાયર સંતાડીને ઊભી રાખી તો તે પણ બોડી સ્કેનર મશીનમાં ડિટેક્ટ થયું હતું. થોડાક દિવસમાં આ સ્કેનર મશીન શરૂ કરી દેવામાં આવશે.

મધની બોટલમાં મોબાઈલ ફોન સંતાડીને જમીનમાં દાટી દીધા!
સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર જમીનમાં દાટેલા મોબાઈલ ફોન મળી આવે છે. પરંતુ ગઈ કાલે જેલ જડતી સ્ક્વોડને નવી જેલમાં સર્કલ યાર્ડમાં બેરેકનાં સંડાસ-બાથરૂમની દીવાલ પાછળ જમીનમાં મધની બોટલમાં સંતાડીને રાખેલા બે મોબાઈલ બિનવારસી મળી આવ્યા હતા. આ અંગે જેલરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ફરીથી મોબાઈલ ફોન મળી આવવાના શરૂ થયા છે. સામાન્ય રીતે ટોઈલેટમાં, દીવાલ ઉપર, જમીનમાં દાટીને રાખેલા મોબાઈલ ફોન મળી આવે છે પરંતુ ગઈ કાલે જેલ જડતી સ્ક્વોડ દ્વારા નવી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન સર્કલ યાર્ડ નંબર ૪/૨માં બેરેકમાં ટોઈલેટ ની દીવાલ પાછળ ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બંને ફોન એક મધની ખાલી બોટલમાં મૂકવામાં આવ્યા હતા.બે મોબાઈલ ફોન, બેટરી અને સિમકાર્ડ મળી આવ્યું હતું.

બંને મોબાઈલ ફોનમાં પિન નંબર નાખી અને ફોનને લોક કરીને રાખવામાં આવ્યો હતો. જેલ સ્ક્વોડે બંને મોબાઈલ ફોનને કબજે કરી રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કબજે કરેલા મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાબરમતી જેલમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યા છે. જોકે તપાસ કરનાર એસઓજી ક્રાઈમ બ્રાન્ચને તેમાં આરોપીઓ મળતા નથી.
મૌલિક પટેલ

You might also like