ચોર મચાયે શોરઃ શાહીબાગ-કૃષ્ણનગરમાં ૧૭ લાખની ચોરી, ઈકો કાર લઈ તસ્કર ટોળકી ચોરી કરવા અાવી હતી

અમદાવાદ: શહેરના પૂર્વમાં આવેલ શાહીબાગ અને કૃષ્ણનગર વિસ્તારમાં તસ્કરો એક જ રાતમાં બે મકાનમાં ઘૂસીને ૧૭ લાખની કિંમતના ૫૬ તોલા સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે. વેપારી અને સેલ્સ એક્ઝિક્યુટિવનો પરિવાર લગ્નમાં ગયો હતો તે સમયે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એક જ રાતમાં થયેલ બે ચકચારી ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલ ગિરધરનગર પાસે સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા અને કાલુપુર વિસ્તારમાં કાપડનો વેપાર કરતા ૭૫ વર્ષીય દલપતભાઇ મ‌િણલાલ શાહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે દલપતભાઇના ભાણેજનાં લગ્ન હોવાથી તે અને તેમની પત્ની કુસુમબહેન (ઉ.વ. ૬૫) તારીખ ૪ ડિસેમ્બરના રોજ પાલડી ખાતે ગયાં હતાં.

ભાણિયાનાં લગ્ન પતાવીને દલપતભાઇ મોડી રાતે બે વાગ્યાની આસપાસ એકલા તેમના ઘરે આવીને સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે એટલે કે પ ડિસેમ્બરના રોજ દલપતભાઇ વહેલી સવારે ઊઠીને પાલડી ગયા હતા. ભાણેજનાં લગ્નનાં તમામ ફન્ક્શન પતાવીને સાંજના સાતેક વાગ્યાની આસપાસ દલપતભાઇ અને કુસુમબહેન ઘરે પરત આવી ગયાં હતાં.
છેલ્લા બે દિવસથી શહેરમાં કા‌િતલ ઠંડી પડતી હોવાથી ગઇ કાલે મોડી રાતના ત્રણેક વાગ્યાની આસપાસ કુસુમબહેને ચાદરો ઓઢવા માટે તિજોરી ખોલી હતી.

તિજોરી ખોલતાં તેમના ર૬.૮ તોલા સોનાના દાગીના ગાયબ હતા. તિજોરીમાં દાગીના નહીં મળતાં દલપતભાઇએ પોલીસને ચોરી થઇ હોવા અંગેની જાણ થઇ હતી. શાહીબાગ પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટનાની ગંભીરતા લઇ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ પ્રાથ‌િમક તપાસમાં ચોરી કોઇ શકમંદ વ્યક્તિએ કરી હોય તેવું અનુમાન લગાવી રહી છે.

તસ્કરોએ વૃદ્ધ દંપતીના ઘરમાં કોઇ પણ તોડફોડ કર્યા વગર ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરો મોડી રાતે લોખંડની જાળી અને ઇન્ટરલોકવાળો મુખ્ય દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીને તોડ્યા વગર તેમાં રહેલા આઠ લાખની કિંમતના ૨૬.૮ તોલા સોનાના દાગીના ચોરીને પલાયન થઇ ગયા હતા. એફએસએલ અધિકારીએ દલપતભાઇના ઘરમાં તપાસ કરી તો તેમાંથી કોઇ પણ પુરાવા મેળવી શક્યા નથી.

આ સિવાય ચોંકાવનારી વાત એ છે કે તસ્કરોએ ડુ‌િપ્લકેટ ચાવીથી પણ મકાનનો દરવાજો ખોલ્યો નથી. આઠ લાખના દાગીનાની ચોરીના ચકચારી કિસ્સામાં પોલીસ મૂંઝવણમાં મુકાઇ છે કે તસ્કરો કેવી રીતે દલપતભાઇના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ઘૂસ્યા છે.

તો બીજી તરફ તસ્કરો કૃષ્ણનગરમાં પણ એક મકાનમાં ઘૂસીને ૩૦ તોલા સોનાના દાગીના તેમજ ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે. ગાંધીનગરમાં આવેલી એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા ૩૪ વર્ષીય મલયભાઇ પ્રવીણભાઇ શાહ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ગોપાલનગરમાં રહે છે.

મંગળવારના રોજ મલયભાઇ તેમના પરિવાર સાથે પિતરાઇભાઇનાં લગ્નમાં મહેસાણા ગયા હતા. દરમિયાનમાં મલયભાઇના પિતા પ્રવીણભાઇ પર એક ફોન આવ્યો હતો કે તમારા ઘરમાં ચોરી થઇ છે. ચોરીના સમાચાર સાંભળીને મલયભાઇ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગ પડતો મૂકીને તેમના ઘરે આવી ગયા હતા.

તસ્કરો મલયભાઇના ઘરનો લોખંડનો ગેટ તેમજ મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ૯ લાખ રૂપિયાની મતાના ૩૦ તોલા સોનાના દાગીના અને અડધો કિલો ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.

લયભાઇએ પોલીસને ચોરી અંગેની જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાનમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં ગોપાલનગરમાં એક ઇકો કાર મોડી રાતે આવતી જોવામાં આવે છે, જેમાંથી કેટલાક અજાણ્યા શખ્સો મલયભાઇના ઘર તરફ આવી રહ્યા છે.

આ સિવાય પોલીસે તે જ વિસ્તારમાં આવેલા પાન પાર્લરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર અંધારામાં દેખાતી ઇકો કારનો નંબર જાણી શકાતો નથી. પોલીસે આ ઘટનામાં એફએસએલની મદદ પણ લીધી છે.

ખોખરામાં ચોરી કર્યા બાદ તસ્કરો એક્ટિવા લઈને ફરાર
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં તસ્કરો સોનાની ચેઇન અને મોબાઇલ ફોનની ચોરી કરીને ફરાર થઇ ગયા છે. તસ્કરો મકાનમાં ચોરી કર્યા બાદ મકાન મા‌િલકનું એ‌ક્ટિવા પણ ચોરી કરીને લઇ ગયા છે. ખોખરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં રહેતા અને ન્યૂઝ પેપરની એજન્સી ચલાવતા ભરતસિંહ રહેવરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

ભરતસિંહના મકાનનો દરવાજો ખુલ્લો હતો તે સમયે કોઇ અજાણ્યા શખ્સો તેમના મકાનમાં ઘૂસીને સોનાની ચેઇન અને મોબાઇલ ફોન ચોરીને લઇ ગયા હતા. ભરતસિંહે રૂપિયા લેવા માટે જ્યારે પાકીટ ખોલ્યું ત્યારે તેમાંથી સોનાની ચેઇન ગાયબ હતી. ત્યારબાદ તેમણે ફોન કરવા માટે મોબાઇલ શોધ્યો તો તે પણ ગાયબ હતો. દરમિયાનમાં ભરતસિંહને જાણવા મળ્યું કે તસ્કરો સોનાની ચેઇન અને મોબાઇલ ફોન નહીં, પરંતુ તેમનું એક્ટિવા પણ ચોરીને લઇ ગયા છે

You might also like