સુરતઃ ગેસ કટરથી ATM કાપીને રૂ. 14.91 લાખની કરાઇ ચોરી

સુરતઃ જિલ્લાનાં કોસંબામાં મોડી રાતે SBIનું એટીએમ મશીન ગેસ કટરથી કાપીને તસ્કરો રૂા. ૧૪.૯૧ લાખની ચોરી કરી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. કોસંબા ગામે યુનુસ મહંમદ મુલ્લાની દુકાન નં. ૨૦૩૨/૨માં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એટીએમમાં લોજીકેશ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મંગળવારે રૂ. ૧૩ લાખની રોકડ લોડ કરી હતી.

બુધવારે સવારે સાડા આઠ વાગ્યે એટીએમનાં બહારનાં કેમેરા તૂટેલા અને શટર બંધ હાલતમાં જણાતાં લોજીકેશ કંપનીને જાણ કરાઈ હતી. કંપનીએ તપાસ કરતાં એટીએમ મશીનનો આગળનો ભાગ ગેસ કટરથી કાપી રોકડ ચોરી જવાયાનું જણાતાં પોલીસને જાણ કરાઇ હતી.

મહત્વનું છે કે છેલ્લાં ઘણાં સમયથી સુરત જિલ્લામાં અવાર નવાર એ.ટી.એમ મશીનમાં ચોરીનાં નિષ્ફળ પ્રયાસ થતાં રહ્યાં છે. ત્યારે સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે આવેલ SBI બેંકનાં એ.ટી.એમ મશીનમાંથી ચોરી કરવામાં તસ્કરો સફળ રહેતા જિલ્લા પોલીસ દોડતી થઈ છે.

જો કે આ ઘટના અંગેની જાણ કંપનીનાં ડિસ્ટ્રિક્ટ એક્ઝ્યુકીટીવને કરવામાં આવી હતી. તેમણે કોસંબા પોલીસ સ્ટેશને આવીને 14,91,700 રૂપિયાની ચોરી થવા અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

You might also like