દેશદ્રોહીને છોડાશે નહીં, તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશેઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે ભાજપ અને શિવસેના જો એકબીજા સામે લડતા રહેત અને સંગઠિત ન થાત તો બંને પક્ષો દેશના દુશ્મન બની જાત. શિવસેનાના લોકસભાના ઉમેદવાર રાજન વિચારે માટે વોટની અપીલ કરતાં થાણે જિલ્લામાં એક રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકેરેએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે સરહદ પરના જવાનોનું નૈતિક મનોબળ વધાર્યું છે. તેમણે પૂછયું હતું કે વિરોધ પક્ષ સર્જિકલ અને એર સ્ટ્રાઇક પર શા માટે વારંવાર સવાલ ઉઠાવે છે?

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં જે લોકો સામેલ હશે તેમને છોડવામાં આવશે નહીં, તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ઉમેદવાર માટે ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોની રાષ્ટ્રવિરોધી તત્ત્વોને છાવરવાની પ્રવૃત્તિની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો અમે (ભાજપ-શિવસેના) લડતા રહેત તો અમે જ અમારા દેશના દુશ્મન બની ગયા હોત. દેશદ્રોહ કાયદો નાબૂદ કરવાના કોંગ્રેસના ચૂંટણી વાયદા અંગે ટિપ્પણી કરતાં ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની સખત ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે રાહુલ જેવા લોકોને ચૂંટણી જ લડવા દેવી ન જોઇએ.

શિવસેનાના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇની નજીક કલ્યાણમાં એક રેલીને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હિંદુત્વ સંગઠનને બહાર કરવા માગે છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં જે લોકો સામેલ હશે તેમને છોડવામાં આવશે નહીં, તેમને ફાંસીએ લટકાવી દેવામાં આવશે.

You might also like