2018માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ ફિલ્મો

વર્ષ ૨૦૧૮ના પહેલા છ મહિના બોક્સ ઓફિસ માટે સરેરાશ રહ્યા. હવે બિગ બજેટની કેટલીક ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે. ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ‘ધડક’ ફિલ્મની ખૂબ જ રાહ જોવાઇ રહી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી. હવે પછીના છ મહિનામાં કેટલીક ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીમાં ઘણી સારી ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે.

‘ગોલ્ડ’ (૧૫ ઓગસ્ટ): અક્ષયકુમારની આ ફિલ્મમાં તે હોકીના કોચની ભૂમિકામાં જોવા મળશે. આઝાદી બાદ ભારત પહેલી વાર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેની આ સફરને ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં દેશભક્તિની ભાવના છલકાશે તેમજ હોકીને વધુ પ્રોત્સાહન મળશે તેવી અક્ષયકુમાર આશા રાખી રહ્યો છે.

‘સત્યમેવ જયતે’ (૧૫ ઓગસ્ટ): ડિરેક્ટર મિલાપ ઝવેરીની આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. ‘પરમાણુ’ ફિલ્મમાં પ્રશંસા મેળવ્યા બાદ જોન અબ્રાહમ એક વાર ફરી દેશભક્તિવાળી ફિલ્મ સાથે આવી રહ્યો છે. આ ફિલ્મ એક્શન અને થ્રિલરથી ભરપૂર હશે. બોક્સ ઓફિસ પર અક્ષયકુમારની ‘ગોલ્ડ’ સાથે તે ક્લેશ થશે.

‘સ્ત્રી’ (૩૧ ઓગસ્ટ): રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મના ટીઝરે લોકોમાં ઉત્કંઠા જગાવી છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં આવેલા ચાંદેરીમાં કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી ગ્રામીણ વિસ્તારની આસપાસ વણાયેલી છે. રાજકુમાર રાવ ફિલ્મમાં દરજીની ભૂમિકા ભજવી રહ્યો છે.

‘સિમ્બા’ (૨૮ ડિસેમ્બર): રોહિત શેટ્ટી અને રણવીરસિંહ પહેલી વાર ‘સિમ્બા’ માટે એકસાથે આવ્યા છે. ફિલ્મમાં રણવીર પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરામની ભૂમિકા ભજવી રહ્યો છે, જેને સિમ્બા તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં સારા અલી ખાનને પસંદ કરાઇ છે. સારાની બોલિવૂડમાં આ બીજી ફિલ્મ છે. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યો છે.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ (૭ નવેમ્બર); આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન પહેલી વાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના નેજા હેઠળ બનતી આ ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ (૨૩ નવેમ્બર): ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સિક્વલ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-૨’ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા અને અનન્યા પાંડે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની સાથે ટાઇગર શ્રોફ જોવા મળશે. પહેલી ફિલ્મમાં બે હીરો અને એક હીરોઇન હતી, જ્યારે બીજી ફિલ્મમાં બે હીરોઇન અને એક હીરોની પસંદગી કરવામાં આવી છે.

‘ઝીરો’ (૨૧ ડિસેમ્બર): ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન ઠીંગુજીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના અને અનુષ્કા છે. કેટરીના એક અભિનેત્રી છે. શાહરુખ તેનો દીવાનો હોય છે. આ ફિલ્મમાં શાહરુખનાં દરેક કપડાં પર કેટરીનાનું પોસ્ટર જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન અને આર. માધવને પણ નાનકડી ભૂમિકા ભજવી છે.

‘ટોટલ ધમાલ’ (૭ ડિસેમ્બર):  ડિરેક્ટર ઇન્દ્રકુમારની ‘ટોટલ ધમાલ’ ધમાલ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગણ, માધુરી દીક્ષિત અને અનિલ કપૂર પણ જોવા મળશે. ફિલ્મમાં ફર્સ્ટ પાર્ટના કલાકારો અરશદ વારસી, રીતેશ દેશમુખ અને જાવેદ જાફરી પણ દેખાશે.

You might also like