બ્રેક્ઝિટ: થેરેસા મે સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, ૧૯ વોટથી સરકાર બચી ગઈ

728_90

લંડન: બ્રેક્ઝિટ મુદ્દે સંસદમાં કારમી હાર મળ્યા બાદ ચોતરફથી ઘેરાયેલા વડાં પ્રધાન થેરેસા મેને મોટી રાહત મળી છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં થેરેસા મેની જીત થઈ છે. વિપક્ષી લેબર પાર્ટીના અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં ૩૦૬ વોટ પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં ૩૨૫ સાંસદોએ પોતાનો મત આપ્યો હતો. આમ થેરેસા મે સરકાર પર છવાયેલા સંકટનાં વાદળ અને તેમની સરકાર ઊથલવાનો ખતરો ટળી ગયો છે. યુરોપીય સંઘમાંથી બ્રિટનને બહાર રાખવાના થેરેસા મેના પ્રસ્તાવ પર હવે આગળ શું થશે તે સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ જ છે.

ઉલ્લેખનીય છે કે, યુરોપીય યુનિયન (ઈયુ)થી બ્રિટનને અલગ કરવાના વડાં પ્રધાન થેરેસા મેના પ્રસ્તાવ પર મંગળવારે સંસદમાં વોટિંગ થયું હતું. બ્રિટિશ સંસદ એટલે કે હાઉસ ઓફ કોમન્સમાં થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલના પક્ષમાં ૨૦૨ વોટ અને તેના વિરોધમાં ૪૩૨ વોટ પડ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પીએમ થેરેસા મેના પોતાના પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના૧૧૮ સાંસદોએ પણ તેમના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને તેના વિરોધમાં પોતાનો મત આપ્યો હતો.

બ્રિટિશ સંસદના ઈતિહાસમાં કોઈ પણ વડા પ્રધાનની આ સૌથી મોટી કારમી હાર હતી અને આ હાર બાદ થેરેસા મે રાજીનામું આપે તે માટે દબાણ પણ ઊભું કરવામાં આવ્યું હતું. જોકે મતદાનના તુરંત બાદ જ તેમણે પીએમ પદ નહીં છોડવાના સ્પષ્ટ સંકેત આપી દીધા હતા.

ત્યારબાદ વિપક્ષી લેબર પાર્ટી થેરેસા મે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી, જેના પર ભારતીય સમયાનુસાર બુધવારે મોડી રાતે મતદાન કરાવવામાં આવ્યું હતું. આ વોટિંગમાં થેરેસા મેના સમર્થનમાં ૩૨૫ સાંસદ ઊભા રહ્યા હતા અને તેમણે અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. જ્યારે ૩૦૬ સાંસદોએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બ્રિટને વર્ષ ૧૯૭૩માં ૨૮ સભ્યોવાળા યુરોપીય સંઘનું સભ્યપદ મેળવ્યું હતું. બ્રિટન આગામી ૨૯ માર્ચે આ યુનિયનમાંથી અલગ થવાનું છે. આ મુદ્દે થેરેસા મેએ એક સમજૂતી (ડીલ) રજૂ કરી હતી. આ ડીલ પર પીએમને વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિન સહિત પોતાના જ પક્ષના સાંસદોનો ઉગ્ર વિરોધ પણ સહન કરવો પડ્યો હતો.

હાઉસ ઓફ કોમન્સમાં થેરેસા મેના પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં તેમની કારમી ઐતિહાસિક હાર થઈ હતી. ૨૩૦ વોટનું આ અંતર ઈતિહાસમાં કોઈ પણ બ્રિટિશ પીએમની અત્યાર સુધીની સૌથી મોટી અને કારમી હાર ગણાય છે. વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને થેરેસા મેની હારને વિનાશકારી ગણાવીને તેમના પ્રસ્તાવ પર પણ આકરી ટિપ્પણી કરી હતી. તેમણે થેરેસાના પ્રસ્તાવને અધકચરો અને નુકસાનકારક ગણાવીને કહ્યું કે, આ ડીલ બ્રિટન માટે અંધારામાં આંધળી છલાંગ મારવા જેવી સાબિત થશે.

You might also like
728_90