હિન્દુત્વ જેવો કોઈ શબ્દ જ નથી, હું હિન્દુત્વમાં માનતો નથીઃ દિગ્વિજય

વારાણસી: કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. દિગ્વિજયસિંહે જણાવ્યું છે કે હિન્દુત્વ જેવો કોઈ શબ્દ જ નથી અને હું િહન્દુત્વમાં માનતો નથી. હું સનાતન ધર્મનું પાલન કરનાર વ્યક્તિ છું. સનાતન ધર્મના અનુયાયી તરીકે હું જ મારા કુટુંબનું સંચાલન કરું છું.

દિગ્વિજયસિંહે વારાણસી ખાતે આવું નિવેદન કરતાં વિવાદ છેડાયો છે. દિગ્વિજયસિંહને જ્યારે રામમંદિર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે આવું જણાવ્યું છે. તેઓ વારણસી સ્થિત વિદ્યામઠમાં શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીને મળવા આવ્યા હતા. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન દિગ્વિજયસિંહે સ્વયંને સનાતન ધર્મી ગણાવ્યા હતા.

દિગ્વિજયસિંહે મહારાષ્ટ્રના શ‌િન શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને પૂજા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ મંદિરમાં કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં, મહિલા કે પુરુષ બધાં મંદિરમાં જઈ શકે છે.

દિગ્વિજયસિંહે આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને ન્યાય અપાવવા માટે હૈદરાબાદ યુનિવર્સિટી કેમ્પસમાં ભૂખ હડતાળ પર બેઠેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને સંઘ એબીવીપી દ્વારા શિક્ષણ સંસ્થાઓ પર કબજો જમાવવા માગે છે. તેઓ ગરીબ અને દલિત વિરોધી છે.

You might also like