‘ફીવર હેલ્પલાઇન-૧૦૪’ માટે હજુ રાહ જોવી પડશે

અમદાવાદ: ગુજરાત રાજ્યને મેલેરિયા મુક્ત કરવા માટે રાજ્યભરમાં શરૂ થનારી ‘ફીવર હેલ્પલાઇન-૧૦૪’ માટે નાગરિકોએ હજુ ૧પ દિવસની રાહ જોવી પડશે. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ‘૧૦૪’ હેલ્પલાઇન એપ્રિલ માસમાં શરૂ થવાની હતી. પરંતુ હજુ પણ આ અંગેની તૈયારી પૂરી ન થવાના કારણે તેની શરૂઆત પાછી ઠેલાઇ છે. આગામી ૧પમી મે સુધીમાં ફીવર હેલ્પલાઇન શરૂ જઇ થશે તેવું આરોગ્ય વિભાગના નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું.
રાજ્યભરના નાગરિકોને મેલેરિયા કે તાવની સારવાર તરત જ મળી રહે તેમજ રાજ્ય મેલેરિયા મુક્ત બને તે માટે આ હેલ્પલાઇન શરૂ થઇ રહી છે.

‘૧૦૪’ હેલ્પલાઇન પર કોઇપણ નાગરિક તેના સગાં-વહાલાં દર્દીની જે કંઇ શારીરિક તકલીફ જણાવશે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીએ આપેલા સરનામે દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમ આરોગ્યની કિટ સાથે જ દર્દીને મળશે તેને મેલેરિયા છે કે કેમ તેમજ અન્ય રોગ કે તકલીફ શું છે તેની પ્રાથમિક ચકાસણી કરશે અને પછી જરૂર લાગશે તો તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

આ અંગે આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ મેેલેરિયાનું નિદાન થશે ૧૦૪ ઉપર આવેલા ફોન સાથે દર્દીની મહત્વની વિગતો ફોન ઉપર નોંધી લેવાશે અને વહેલામાં વહેલી તકે આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ટીમ દર્દી પાસે પહોંચીને મેલેરિયાનું નિદાન કરીએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકની સરકારી અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડવાની વ્યવસ્થા કરાશે. દર્દીના ઘરે એમ્બ્યુલન્સ પણ પહોંચાડવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર લેવલે આ બાબત વિચારણા હેઠળ છે હેલ્પલાઇન અમલી થશે પરંતુ અમને હાલમાં કોઇ સૂચના મળી નથી.

http://sambhaavnews.com

You might also like