ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ક્યારેય યુદ્ધ નહીં થાયઃ ઈમરાનખાન

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવવાને લઇને અત્યંત ગંભીર છે. ઇસ્લામાબાદમાં ટીવી ચેનલોના પત્રકારોના એક જૂથને આપેલી મુલાકાતમાં ઇમરાનખાને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાશ્મીર લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા યુદ્ધ છેડાઇ ચૂકયા છે, પરંતુ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેે કયારેય યુદ્ધ થશે નહીં.

ઇમરાનખાને જણાવ્યું હતું કે યુદ્ધ થવાથી કાશ્મીર મુદ્દો ઉકેલાવાનો નથી. કાશ્મીર મુદ્દો યુદ્ધ દ્વારા નહીં, પરંતુ સંવાદ દ્વારા જ ઉકેલી શકાશે. જ્યાં સુધી વાતચીત શરૂ ન થાય ત્યાં સુધી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે વિવિધ ઉકેલ પર ચર્ચા કરી શકી શકાય નહીં.

જ્યારે ઇમરાખાનને કાશ્મીર મુદ્દાે ઉકેલવાની ફોર્મ્યુલા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેના બે કે ત્રણ સમાધાન છે. જેના પર ચર્ચા થઇ ચૂકી છે. જોકે આ અંગે તેમણે વધુ માહિતી આપી શેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અંગે અત્યારે કંઇ કહેવું કવેળાનું રહેશે.

ભારત સાથે કોઇ પણ પ્રકારના યુદ્ધની શકયતાને ફગાવી દેતાં તેમણે જણાવ્યું હતું કે અણુશસ્ત્રો સજ્જ બે દેશ યુદ્ધ કરી શકે નહીં, કારણ કે તેનંુ પરિણામ હંમેશાં ખતરનાક આવી શકે છે. કરતારપુર કોરિડોરને લઇને છેડાયેલા વિવાદનો અંત લાવતાં ઇમરાને જણાવ્યું હતું કે તેને ખુલ્લો મુકવો એક સ્પષ્ટ નિર્ણય હતો.

વડા પ્રધાન ઇમરાનખાને ઐતિહાસિક કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભારત સરકારની હાજરી સુનિશ્ચિત કરવા એક ગૂગલી ફેંકી હતી એવું કુરેશીએ જણાવ્યું હતું. જોકે કુરેશીના આ નિવેદનની ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ઉગ્ર ટીકા કરી હતી. ઇમરાનખાને આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કરતારપુર કોરિડોરને ખોલવાનો નિર્ણય એ ગૂગલી ફેંકવા સમાન કે બેવડી રમત નહોતી, પરંતુ એક નિષ્કપટ અને સ્પષ્ટ નિર્ણય હતો.

You might also like