અમદાવાદથી ઉપડતી મેમુ ટ્રેનમાં મહિલાઓ માટે અલાયદો કોચ રખાશે

અમદાવાદ: અમદાવાદથી મહેસાણા, નડિયાદ, વડોદરા જતી તમામ મેમુ ટ્રેનમાં મહિલાઓ માટે અલગ ટોઇલેટ મૂકવામાં આવશે એટલું જ નહીં મેમુ ટ્રેનમાં મહિલાઓ માટે અલગ કોચ મૂકવામાં આવશે. જેની ખૂબ જ ટૂંક સમયમાં શરૂઆત થશે. આગામી સમયમાં ટ્રેનના દરેક કોચમાં મહિલાઓ માટે એક પેનિક બટન પણ મૂકવામાં આવશે.

અમદાવાદ વડોદરા ડિવિઝનમાં આવે છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર જનરલ અને એસી વેઇટિંગ લોન્જ પાસે સેનિટરી નેપ્કિન મશીન મૂકવામાં આવશે તેવું રેલવે તંત્રના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. રેલવે તંત્ર વુમન અને ચાઇલ્ડ સેફટી વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેના માટે ડિવિઝનલ લેવલ પર એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મહિલા અધિકારીનો સમાવેશ પણ કરાયો છે.

મહિલાઓ માટે અલગ વેઇટિંગરૂમ, બેબી ફીડિંગરૂમ, સેનેટરી નેપ્કિન મશીન, મેમુ ટ્રેનમાં મહિલાઓ માટે અલગ કોચ અને સેફ્ટી બાબતે ઘટતું કરવા તાજેતરમાં જ એક મિટિંગનું આયોજન થયું હતું. જેમાં સિનિયર ડીસીએમ મહિલા અધિકારી ડો.મુનિયા ગુપ્તા હાજર રહ્યાં હતાં. મહિલાઓ માટે સલામતી ઉપરાંત સુવિધા માટે લેવાનારાં તમામ પગલાં અને સૂચનો આગામી બે માસમાં જ પૂરાં કરી દેવાશે.

ટ્રેનોમાં પણ મહિલાઓની સુવિધા માટે સેનેટરી મશીન આગામી બે માસ સુધીમાં મુકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનના દરેક કોચમાં મહિલાઓ માટે પેનિક બટન મૂકવામાં આવશે આ બટનના ઉપયોગથી મહિલા સીધી ગાર્ડ સાથે વાત કરશે. ત્યારબાદ ગાર્ડ વોકી ટોકી દ્વારા સુરક્ષા પોલીસ અને ટીટીઇને જાણ કરીને તરત જ મદદ પહોંચાડશે. હાલમાં અમદાવાદ-આણંદ, અમદાવાદ-વડોદરા, અમદાવાદ-સુરત, અમદાવાદ-આણંદ, મણિનગરથી વડોદરા મેમુ ટ્રેન કાર્યરત છે.

You might also like