મ્યુનિ.ની બજેટ બેઠકમાં આ વખતે જમણવારમાં લાખોનો ધુમાડો નહીં થાય

અમદાવાદ: દેશના ઉત્તર-પૂર્વ રાજ્ય કરતાં પણ વધુુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બેદિવસીય બજેટસત્ર આગામી ૧પ ફેબ્રુઆરીએ શરૂ થશે. આ બેદિવસીય બજેટસત્ર દરમિયાન એક રૂપિયાનો જમણવારનો ખર્ચ થવાનો નથી.

સામાન્ય રીતે દર વર્ષે બજેટસત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ ૧૯ર કોર્પોરેટર અને ૪પ૦ જેટલા મ્યુનિસિપલ સ્ટાફની નાસ્તા-પાણી તેમજ બે વખતના ભપકાદાર જમણવાર પાછળ અંદાજે રૂ.ર૦થી રપ લાખનો ધુમાડો થતો આવ્યો છે. તેમ છતાં બજેટસત્રમાં કોર્પોરેટરો દ્વારા અભ્યાસપૂર્ણ ચર્ચા થતી નથી.

ગયા વખતના બજેટસત્રના ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય આક્ષેપ અને પ્રતિઆક્ષેપની ગરમાગરમી વધતા કોંગ્રેસના કોર્પોરેટરોએ બજેટસત્રનો બહિષ્કાર કર્યો હતો. દરમિયાન મ્યુનિસિપલ ભાજપના નેતા બિપિન સિક્કા કહે છે, બજેટસત્રમાં અમારા કોર્પોરેટરો ઘરેથી ટિફિન લાવશે અને જમણવારનો ખર્ચ બચાવશે.

જ્યારે મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે બજેટસત્ર દરમિયાનના જમણવારમાં કરાતા લાખો રૂપિયાના ખર્ચને બચાવવા માટે અમે કાર્યાલય તરફથી અમારા કોર્પોરેટરોને જમાડવાની વ્યવસ્થા કરીશું.

You might also like