રાજયમાં જરૂરિયાત હશે ત્યાં ચિલ્ડ્રન હોમ ઊભા કરાશે : જાગૃતિ પંડયા

વડોદરા : જિલ્લા બાળ સુરક્ષા એકમ, વડોદરા દ્વારા સરકીટ હાઉસ, વડોદરા ખાતે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ તથા સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે યોજાયેલ એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનો ગુજરાત રાજય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યશાળામાં બાળ અધિકારો અને બાળ સંરક્ષણ કાયદાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડયાએ જણાવ્યું હતું કે બાળકોના સંરક્ષણ માટે જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ કાર્યરત કરવામાં આવ્યો છે.ત્યારે દિવ્યાંગ સહિત સામાન્ય બાળકો સમાજમાં માનભેર જીવી શકે તે માટે સમગ્ર રાજયમાં આ કાયદાનો અસરકારક અમલ કરવામાં આવશે. દિવ્યાંગ તથા સામાન્ય બાળકોને આરટીઆઇ હેઠળ ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી રહે તે માટે પણ આયોગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રાજયના તમામ ૩૩ જિલ્લાઓમાં બાળ સંરક્ષણ આયોગની કામગીરી અંગે લોકોને જાણકારી મળી રહે તે માટે આગામી વર્ષમાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ કાર્યશાળા યોજવામાં આવશે એટલું જ નહીં રાજયમાં જયાં જરૂરિયાત હશે ત્યાં ચિલ્ડ્રન હોમ ઉભા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

શ્રીમતી પંડયાએ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાઓ આવા બાળકોના સર્વાંગી વિકાસ માટેના સર્વગ્રાહી પ્રયાસો કરી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. શ્રીમતી પંડયાએ જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ના અમલીકરણ અધિકારીઓ માટે અલાયદી પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરી એકટ અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્ય શકુંતલાબેન મહેતાએ વડોદરા જિલ્લામાં દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાઓએ કાયદાની સમજ મેળવી રાજય સરકારની વિકલાંગ સંસ્થાઓ માટેની યોજનાઓનો લાભ આપવા જણાવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાએ સંકલિત બાળ સુરક્ષા યોજના, એબીલીટી ગુજરાત, જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ અંગે પ્રોજેકટ મેનેજર ભરત જાનીએ ડીડીઆરએસ યોજના એડીઆઇપી યોજના અંગે વિસ્તૃત સમજ આપી હતી.

You might also like