હીરાબજારમાં હજુ મંદીઃ ચમક વધે તેવા એંધાણ દેખાતા નથી

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પૉલિશિંગના હબ સુરત અને દેશના હીરાના વેપારીઓ છેલ્લાં ઘણાં વર્ષથી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. હીરા કટિંગ અને પૉલિશિંગના અનેક યુનિટ બંધ થઈ રહ્યા છે તેના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૧૦ હજાર રત્ન કલાકારને બેરોજગાર થતા અટકાવવા તેમની મદદ માટે સુરતથી ર૦૦૦ સુધીના કેરેટના રફ હીરા તેમના માટે હીરા અગ્રણીઓ મોકલશે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ-જીજેઇપીસીની રિજનલ ઓફિસના હોદ્દેદારોની મધ્યસ્થીમાં સાત જિલ્લાના ડાયમન્ડ એસોસિયેશનના પ્રમુખોની એક મિટિંગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. આ મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ છેલ્લા એક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૩૦ ટકા હીરા એકમો બંધ થયા છે, જેના કારણે ૧૦ હજાર રત્નકલાકાર બેરોજગાર થયા છે.

જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે નાના કારખાનેદારો અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યા છે મંદીના લીધે ૩૦ ટકા કારખાનાઓ બંધ થવાની સ્થિતિમાં છે. તેથી તેમને ટકાવી રાખવા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડાયમંડ એસોસિયેશન મધ્યસ્થી કરીને સુરત ટ્રેડર્સ પાસેથી ર૦૦૦ કેરેટ જેટલા ડાયમંડ ખરીદશે, જે ઉદ્યોગકારોની માગ પ્રમાણે સપ્લાય કરશે, જેમાં સ્થાનિક બજાર સહિત બન્ને તરફે જીજેઇપીસી મધ્યસ્થીમાં રહેશે. આ અંગે ઉત્તરગુજરાત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ અમૃતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં પ૦,૦૦૦ લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં ૩૦ ટકા કારખાના બંધ થયા છે.

કૅનેડાની સરકારે ભારત પર લગાવેલા હીરાની ખરીદી પરના પ્રતિબંધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતીથી ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી હીરાબજારમાં જોરદાર તેજીના સંકેતના ફરતા થયેલા મેસેજને હીરાબજારના જાણકાર વેપારીઓ હાસ્યાસ્પદ ગણાવે છે તેમના મતે બે વર્ષથી માર્કેટની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે એટલું જ નહીં, આવતાં બે વર્ષમાં તેજી આવવાની અમને શક્યતાઓ પણ દેખાતી નથી.

માર્કેટની હાલત તો અત્યારે ખૂબ જ ખરાબ છે. સુરતના હીરાઉદ્યોગમાં લગભગ ૫૦૦૦થી વધારે યુનિટ છે, જેનું ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ટર્નઓવર છે. આમ છતાં આ યુનિટ અત્યારે મંદીનો માર ઝીલી રહ્યા છે. અનેક યુનિટમાં તો રત્નકલાકારને પગાર આપવાના પણ વાંધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પૉલિશ્ડ હીરાની ડિમાન્ડ ઘટી રહી છે. કૅનેડાની ડિમાન્ડ આવશે તો પણ એકાદ હીરાના વેપારીને એનો ફાયદો થશે.

આખા હીરાબજારને તેનો ફાયદો નહીં મળે. ડૉલર સામે રૂપિયાની અસ્થિરતા પણ હીરાના વેપાર પર વિપરીત અસર કરવા માટે જવાબદાર છે. વેપારીઓના મતે હીરા ઉદ્યોગની નબળી પરિસ્થિતિ માટે ચલણની અનિયમિતતા પણ બહુ મોટો રોલ ભજવે છે. તેથી હજુ બે વર્ષ સુધી હીરાબજાર સદ્ધર બને કે એમાં તેજી આવે એવા કોઈ અણસાર દેખાતા નથી.’ આ અંગે અમદાવાદ એસોસિયેશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે મંદી તો છે જ પરંતુ અમદાવાદમાં કોઈ કારખાના બંધ થયા હોય તેવી માહિતી અમને મળી નથી.

You might also like