ત્રણ દિવસથી ગુમ થયેલા ત્રણ સગીરની હજુ કોઈ ભાળ નહીં

અમદાવાદ: ઓઢવ અને વટવામાં આવેલા બાળગૃહમાંથી સગીર વયનાં બાળકો ગુમ થયાં છે. જેની હજી સુધી ભાળ નથી મળી ત્યાં સરખેજમાં આવેલા મદરેસામાં ભણતાં ત્રણ બાળકો ફરવા ગયા પછી પરત ન ફરતા તેઓના માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયાં છે. ત્રણ ત્રણ દિવસ વીતિ ગયા છતાં તેઓની હજી સુધી કોઈ ભાળ મળી નથી.

સરખેજ વિસ્તારમાં ઈસ્લામી સોસાયટી પાસે આવેલી જામી ઇબ્દે અબ્બાસ નામના મદરેસામાં અબુજેદ પઠાણ (ઉ.વ.૧૧), ફૈઝાન અંસારી (ઉ.વ.૨૬) અને અદનાન શેખ (ઉ.વ.૧૬) ભણતા હતા. શુક્રવારે મદરેસામાં રજા હોઈ ત્રણેય ફરવા નીકળ્યા હતા. ફરવા ગયા બાદ ત્રણેય પરત ન ફરતા મદરેસાના સંચાલક દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ તેઓ મળી ન આવતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવાઈ છે.

સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એન. સોલંકીએ જણાવ્યું હતું કે ગુમ થયેલા ત્રણ સગીરોમાંથી એક સગીર મુંબઈનો રહેવાસી છે. મુંબઈ ખાતે તપાસ કરતાં તે ત્યાં પણ નથી પહોંચ્યો. બાકીના બે અમદાવાદના રહેવાસી છે. તેઓની શોધખોળ ચાલુ છે.

You might also like