અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદી સરકારને કોઈ જ ખતરો નથીઃ કોંગ્રેસ આ મુદ્દે વિભાજિત

નવી દિલ્હી: લોકસભામાં પ૩પમાંથી એનડીએ પાસે ૩૧ર સાંસદ હોવાના કારણે મોદી સરકારને અવિશ્વાસ પ્રસ્તાવને લઇને કોઇ ચિંતા નથી. મોદી સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દ્વારા છેલ્લા ચાર વર્ષમાં પોતાની સિદ્ધિઓની જાણકારી સંભવિત મતદારો સુધી પહોંચાડવાની તૈયારીઓ કરી લીધી છે. સાથે સાથે મોદી સરકારે રાજકીય મુદ્દે વિપક્ષોને ઘેરશે.

એનડીએના પૂર્વ સહયોગી તેલુગુ દેશમ્ પાર્ટી એ વાતથી સારી રીતે પરિચિત છે કે લોકસભામાં રજૂ થનાર તેના અવિશ્વાસ પ્રસ્તાવથી નરેન્દ્ર મોદી સરકારને કોઇ ખાસ ખતરો નથી, તેમ છતાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર કરવા પર પોતાની સફળતાનો જશ્ન મનાવી રહી છે..

બીજી બાજુ સુમિત્રા મહાજને અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપતાં કોંગ્રેસમાં મતભેદો સપાટી પર આવી રહ્યા છે. આ પ્રસ્તાવના ટાઇમિંગને લઇને કોંગ્રેેસ વિભાજિત નજરે પડે છે. કોંગ્રેસના એક જૂથનું માનવું છે કે જો મોદી સરકારનું આ અંતિમ સંસદીય સત્ર હશે તો વિપક્ષ એ તક ચૂકી જશે કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ વગર પોતાનો કાર્યકાર પૂરો કરી શકી નહીં. તેનું માનવું છે કે એ વાત રેકોર્ડમાં રહેવી જોઇએ કે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો.

જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના ટાઇમિંગના વિરોધમાં કોંગ્રેસના એક બીજા જૂથનું માનવું છે વિરોધ પક્ષ મોદી સરકારની ટ્રેપમાં આવી ગયો છે. પોતાનું નામ જાહેર નહી કરવાની શરતે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં વડા પ્રધાન મોદી લોકસભામાં પોતાનું ભાષણ આપશે અને એ રીતે શનિવાર અને રવિવારે મી‌િડયામાં
છવાઇ જશેે.

આમ વિરોધ પક્ષ અને મોદી સરકાર બંને અવિશ્વાસ પ્રસ્તાવનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ એવો દાવો કર્યો હતો કે કોણ કહે છે કે અમારી પાસે નંબર નથી?

અવિશ્વાસ પ્રસ્તાવ પર રણનીતિ નક્કી કરવા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંસદીય પક્ષની એક બેઠક બોલાવી છે. જેમાં વિપક્ષોના તમામ જૂથોને લઇને વિવિધ મુદ્દે મોદી સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

જ્યારે ભાજપ વતી સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમારે જણાવ્યું હતું કે અમારી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામો કરવા તૈયાર છે. કારણ કે ગૃહમાં અમારી પાસે બે તૃતીયાંશ બહુમતી છે. અહેવાલો અનુસાર કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની સતત ટીકા કરનાર શિવસેના એનડીએ સરકાર વિરુદ્ધ પ્રસ્તાવિત અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે નહીંં.

જોકે શિવસેનાના એક સાંસદે જણાવ્યું હતું કે અમે અમારા પ્રમુખ ઉદ્વવ ઠાકરે સાથે વાતચીત કર્યા બાદ શુક્રવારે અમારા પક્ષનું વલણ જાહેર કરીશું. આખરી નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે.

You might also like