યુનિવર્સિટીની પરીક્ષામાં છાશવારે છબરડા પણ જવાબદાર કોઈ નહીં!

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીને છબરડા યુનિવર્સિટી કહીએ તો નવાઈ નહીં લાગે, કારણ કે યુનિવર્સિટીમાં વર્ષોથી જાતજાતના છબરડા જોવા મળે છે, જેવા કે વિદ્યાર્થીઓની રિસિપ્ટમાં ખોટાં નામ, ફોટા છપાય તો પરીક્ષામાં પેપરમાં છબરડા, માર્કશીટમાં ભૂલો, પ્રવેશફોર્મમાં પણ ભૂલો જેવા અનેક છબરડા એક વર્ષમાં થયા અને તેની રજૂઆત તેમજ ફરિયાદો કુલપતિ સુધી કરવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી માત્ર તપાસના આદેશ આપે છે, પરંતુ યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ સામે કોઈ કાયદેસર પગલાં ભરવામાં આવતાં નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ છે અને રોજરોજ અનેક છબરડા સામે આવતા હોય છે ત્યારે હાલમાં યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને ત્રણ દિવસમાં ચાર છબરડા સામે આવ્યા છે, જેમાં પ્રશ્નપત્ર એક દિવસ પહેલાં જ આપી દીધું હતું. આવા અનેક છબરડા એક વર્ષમાં થયા છે, પરંતુ જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પગલાં આજ સુધી ભરવામાં આવ્યાં નથી.

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષમાં બનેલા છબરડાની વિગત જોઈએ તો ૩૦ જાન્યુઆરીએ બીકોમ સેમેસ્ટર-પાંચની પરીક્ષામાં વિદ્યાર્થીએ ઇકોનોમિક્સ વિષયની એટીકેટી પરીક્ષા આપી હતી તેમ છતાં તેને ઇકોનોમિક્સ ઉપરાંત અન્ય વિષયમાં નાપાસ જાહેર કર્યો હતો.

ત્યાર બાદ ૧૪ ફેબ્રુઆરીએ બીકોમના સેમેસ્ટર-ત્રણનાં જે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસ હોવા છતાં પણ સેકન્ડ ક્લાસ આપવામાં આવ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા.

૧૭ એપ્રિલે એમએ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં હાથથી લખાયેલા પેપર આપ્યાં હતાં. પર્યાવરણીય ઇતિહાસના પેપર હાથે લખાયેલાંની ઝેરોક્ષ કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, જે પેપર સેટરની બેદરકારીના કારણે બન્યું હતું. ૧૮ એપ્રિલએ બીએડ્ના પ્રવેશફોર્મમાં છબરડા થયા હતા. યુનિવર્સિટીએ ફોર્મ છાપવામાં ભૂલ કરી હતી.

ફોર્મ પ્રવેશ લાયકાત માટે ૭૦૦માંથી ૩૪૩ના બદલે ૩૪૩માંથી ૭૦૦ હોવાના સૂચના આપી હતી. ત્યાર બાદ ફોર્મ રદ કર્યું હતું. ર૮ સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટીએ ડિગ્રી સ‌િર્ટ.માં કોલેજનું નામ લખી દીધું હતું. ૧૭ નવેમ્બરે વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં છબરડો થયો હતો.

૮૦૦થી વધુ વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં નામ-ફોટા ખોટા છપાઈ ગયા હતા. ર ડિસેમ્બરે હોલ ટિકિટમાં અન્ય વિદ્યાર્થીઓના નામ-ફોટા છપાઈ ગયા હતા. ૩ ડિસેમ્બર બીએ સેમેસ્ટર-૩માં પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું હતું. ૪ ડિસેમ્બરે પેપર એક દિવસ પહેલાં જ આપી દીધું તો યુનિવર્સિટીએ કેલેન્ડર છપાવ્યું તેમાં એક મહિમામાં બે તારીખ છપાઈ ગઈ છે. આવા અનેક છબરડા યુનિવર્સિટીમાં જોવા મળે છે, પરંતુ આ બધા છબરડા સામે કોઈ પણ અધિકારીઓ સામે કાયદેસર પગલાં લીધાં નથી, પરંતુ તેમને બચાવવાની ભૂમિકા વધુ હોય છે.

You might also like