હું અયાનને કોઈ હદમાં નહીં બાંધું: ઈમરાન હાશ્મી

એક સમયે ઇન્ડસ્ટ્રીમાં સિરિયલ કિસર તરીકે પ્રસિદ્ધ રહેલો ઇમરાન હાશ્મી હવે અભિનયની સાથે-સાથે ફિલ્મ નિર્માણમાં પણ એન્ટ્રી કરી ચૂક્યો છે. તે ‘ચીટ ઇન્ડિયા’ અને ‘ફાધર્સ ડે’ નામની ફિલ્મો બનાવશે. ઇમરાન કહે છે કે હું હજુ પણ ખુદને ઇમમેચ્યોર માનું છું. મને થોડો અનુભવ થઇ ચૂક્યો છે. સમયની સાથે-સાથે સમગ્ર દુનિયા અને સિનેમા પ્રત્યેના મારા વિચારોમાં બદલાવ આવ્યો છે. ૧૦ વર્ષ પહેલાં જે કર્યું હોય તે હવે આપણે કરતા નથી.

હું ફિલ્મ નિર્માણમાં રોચક વિષયોને આવરી લેવા ઇચ્છું છું. મારી પાસે ‘ફાધર્સ ડે’ અને ‘ચીટ ઇન્ડિયા’ જેવી સ્ક્રિપ્ટ આવી તેની મને ખુશી છે. ઇમરાન કહે છે કે મેં ભૂતકાળમાં જે ફિલ્મો કરી છે તેના કરતાં મારી સંવેદનાઓ અલગ છે. આજે જ્યારે લોકો મને જુએ છે ત્યારે તેમને લાગે છે કે હું તેમનાથી ખૂબ અલગ છું, જેની તેઓ આશા રાખે છે.

જો એક દાયકા પહેલાં આવી ફિલ્મો આવી હોત તો લોકો તેને નકારી દેત, પરંતુ આ આજના સમયની ફિલ્મો છે. આજે સિનેમાની ભાષા અને સાથે દર્શકો પણ બદલાઇ રહ્યાં છે. આવા સંજોગોમાં હું પ્રયોગ કરી શકું છું. હું ઇચ્છું છું કે મારી ફિલ્મોની કહાણી માત્ર મનોરંજન માટે ન હોય, પરંતુ લાંબા સમય સુધી દર્શકોના દિલ પર છવાઇ રહે.

ઇમરાન કહે છે કે મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારા દીકરા અયાનના ભવિષ્ય અંગે પણ વિચાર્યું હતું. અયાન મોટો થશે ત્યારે જો તે ઇચ્છશે તો મારી કંપની તેની હશે. હું એક એક્ટર છું. મારા દીકરાએ મારી જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું જોઇએ, પરંતુ હું તેને કોઇ હદમાં બાંધવા ઇચ્છતો નથી. આ ક્ષેત્ર અંગે હું સારી રીતે જાણું છું. તેથી હું તેને ગાઇડ કરીશ અને તેની રક્ષા કરીશ.

તમે તમારા બાળકનો હાથ પકડીને તેને કોઇ ખાસ મુકામ પર લઇ જઇ શકો છો, પરંતુ આગળની યાત્રા તેણે જાતે કરવાની હોય છે. ઇન્ડસ્ટ્રી બેધારી તલવાર છે. જો અયાન મોટો થઇને એક્ટર બનવા ઇચ્છશે તો તેના માટે ઇન્ડસ્ટ્રીમાં પહોંચવાનું સરળ હશે, કેમ કે તે ફિલ્મી પરિવારમાંથી આવે છે, પરંતુ જો તે પિતાની કાર્બન કોપી બનશે તો તેની પ્રાઇવસી ખતમ થઇ જશે.

You might also like