બજેટ પહેલાં જ બેન્ક અને ATMથી પૈસા ઉપાડવા પર કોઈ મર્યાદા નહીં રહે

નવી દિલ્હીઃ નવી નોટો મળવાની બાબતમાં ઘણા બધા સુધારા થતાં સમસ્યા થોડી હળવી થઈ છે. સરકાર એટીએમમાંથી અને બેન્કમાંથી કેશ મેળવવાની મર્યાદા દૂર કરવા પર વિચાર કરી રહી છે. પહેલા તબક્કામાં બેન્કમાંથી ચેક દ્વારા રોકડ ઉપાડવાની સ્થિતિ સામાન્ય કરવા પર વિચાર થઈ રહ્યો છે. અે વાત પર મંથન ચાલી રહ્યું છે કે સામાન્ય બજેટની અાસપાસ તે લાગુ કરી દેવાય.તેના એક અઠવાડિયા બાદ એટીએમમાંથી કેસ કાઢવાની સુવિધા 8 નવેમ્બર, 2016 પહેલાં જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં અાવી જશે.

નાણાં મંત્રાલયના એક અધિકારીઅે જણાવ્યું કે દેશના મોટા ભાગના વિસ્તારમાં હવે કેશ મેળવવાની સમસ્યા રહી નથી. ગયા શુક્રવાર સુધી 10 લાખ કરોડ રૂપિયાની નવી નોટો સિસ્ટમમાં નખાઈ ચૂકી છે. બિહાર, અોરિસા, પશ્ચિમ બંગાળ અને તમામ દક્ષિણ રાજ્ય, પૂર્વોત્તરનાં રાજ્યમાં બેન્ક શાખાઅોમાં કે અેટીએમ પર કોઈ ભીડ નથી. દિલ્હી અને એનસીઅારમાં નોટબંધી બાદ નવી નોટો માટે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. અહીં પણ બેન્ક બ્રાન્ચમાં ભીડ પૂરી થઈ ચૂકી છે. અન્ય ભાગમાં પણ એક અઠવાડિયામાં યોગ્ય પ્રમાણમાં રોકડ પહોંચવા લાગશે. તે જોતાં બજેટ રજૂ થવાની અાસપાસ સુધી રોકડ ઉપાડ પરની હાલની મર્યાદા પૂરી થઈ જાય તેવા અણસાર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હજુ બેન્ક ખાતામાં રોકડ ઉપાડવાને લઈને જે મર્યાદા છે તે માત્ર અૌપચારિકતાવાળી છે. નોટબંધી લાગુ થતાં પહેલાંના અાંકડા જણાવે છે કે દરેક એટીએમમાંથી સરેરાશ 3400 રૂપિયા ઉપાડવામાં અાવતા હતા. હાલમાં અારબીઅાઈ તરફથી 4500 રૂપિયાની મર્યાદા લગાવાઈ છે.

ગ્રામીણ ક્ષેત્રો ઉપરાંત અન્ય તમામ ભાગમાં દરેક પરિવારમાં અોછામાં અોછા બે લોકોનાં બેન્ક ખાતાં છે. એટીએમમાંથી બેતૃતીયાંશ લોકો એકથી વધુ એટીએમમાંથી રૂપિયા ઉપાડી રહ્યા છે, જેને વધુ જરૂરિયાત છે તેઅો બેન્ક બ્રાન્ચમાંથી 24 હજાર રૂપિયા પ્રતિસપ્તાહ ઉપાડે છે. તેથી હવે મર્યાદા રાખવાનો કોઈ અર્થ રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઅારી, 2017થી સંસદનું બજેટસત્ર શરૂ થઈ રહ્યું છે તેના પછીના દિવસે 2017-18નું સામાન્ય બજેટ રજૂ થશે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ િવપક્ષોઅે કહ્યું છે કે નોટબંધી અને તેનાથી સામાન્ય જનતાને થયેલી પરેશાનીઅોના મુદ્દે તેમના એજન્ડામાં સૌથી ઉપર રહેશે. અા પણ અેક કારણ છે કે સરકાર રોકડની મર્યાદાને લઈને સંસદમાં જવા ઇચ્છતી નથી.

home

 

You might also like