દિનેશ કાર્તિકને કેપ્ટનપદેથી હટાવવાની કોઈ ચર્ચા જ થઈ નથીઃ જેક કાલિસ

આઇપીએલમાં KKRના સતત પાંચ પરાજયથી દિનેશ કાર્તિકની નેતૃત્વક્ષમતા સામે સવાલ ઊઠી રહ્યા છે, પરંતુ મુખ્ય કોચ જેક કાલિસે કહ્યું કે, દિનેશ કાર્તિકને કેપ્ટનપદેથી હટાવવાની કોઈ પ્રકારની ચર્ચા જ થઈ નથી.

કાલિસને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘જે રીતે ખરાબ પ્રદર્શનને કારણે રાજસ્થાન રોયલ્સે અજિંક્ય રહાણેને કેપ્ટનપદેથી હટાવી દીધો, શું KKR એવું કરવા પર વિચાર કરી રહી છે?’ એ સવાલના જવાબમાં કાલિસે કહ્યું, ”ના, અમે એ અંગે કોઈ ચર્ચા જ કરી નથી અને કોઈએ આ મુદ્દો ઉઠાવ્યો પણ નથી. આશા છે કે તે (કાર્તિક) અમારા માટે મોટી ઈનિંગ્સ રમશે.”

કાર્તિકે વર્તમાન IPLમાં અત્યાર સુધી રમેલી નવ ઈનિંગ્સમાં માત્ર ૧૬.૭૧ની સરેરાશથી રન બનાવ્યા છે. એવું જાણવા મળ્યું હતું કે, ટીમ માલિક શાહરૂખ ખાને મુંબઈમાં મુખ્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ અંગે પૂછવામાં આવતા કાલિસે કહ્યું, ”મારી તેની સાથે કોઈ વાત થઈ નથી. કાર્તિક પણ એક દિવસ માટે ઘરે ગયો હતો. અમે ફરી મળીશું અને આગામી મેચ માટે રણનીતિ તૈયાર કરીશું.”

You might also like