શિક્ષણનાં તો જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછાં

સમસ્યાઓના સંદર્ભમાં કેટલાક લોકો એવો મત ધરાવે છે કે તરત જ નિરાકરણ આવી જાય. શિક્ષણની બહુ ઓછી જરૂરિયાત શાળા-કોલેજો દ્વારા પૂરી થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે આનાથી લખવા-વાંચવાનું અને હિસાબ-કિતાબ જેવું કામકાજ થઇ શકે છે. એવું પણ બની શકે કે એમના મગજમાં આ બધી માહિતીઓ કંઇક વધારે પ્રમાણમાં ભરાઇ ગઇ હોય, જે સામાન્ય વ્યવહારના જીવનમાં કયારેય કામ આવતી નથી. ઇતિહાસ, ભૂગોળ, રેખા ગણિત વગેરે એવા કેટલાય વિષયો છે જે વ્યકિતગત જીવનમાં કયારેક જ કામમાં આવતા હોય છે.
જોકે રિવાજ એવો છે કે શાળાના અમુક ધોરણ પાસ કર્યાના પ્રમાણપત્રની પ્રાપ્તિ કરી લીધા પછી જ કોઇને શિક્ષિત કહેવડાવવાનો અધિકાર મળે છે. જોકે તેમાં કામ વાત થોડી અને નકામી વાત ઘણી હોય છે. નોકરી ન મળવાથી આવા કહેવાતા ભણેલા લોકો બીજાઓ માટે સમસ્યારૂપ બને છે. શારીરિક શ્રમ કરવાના કામમાં તેઓને બેઇજ્જતી થતી માલુમ પડે છે. આવી આદત પણ છૂટી જાય છે. આવી સ્થિતિમાં બેકાર લોકો પોતાના માટે અને બીજાને માટે ગંભીર પડકાર બની રહે છે અને તેમની સરખામણીમાં અભણ લોકોને પ્રમાણમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો
પડે છે.
શિક્ષણનાં ગુણ-ગૌરવનાં તો જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછાં છે. વિદ્યાને જ્ઞાનદૃષ્ટિની ઉપમા આપવામાં આવી છે. તેના વિના મનુષ્યને આંધળા સમાન ગણવામાં આવે છે. વિદ્યાને સર્વશ્રેષ્ઠ ધન માનવામાં આવે છે. તેનાથી અૃમત મેળવાય છે એમ કહેવાય છે, પરંતુ તેમાંથી આ બધી વિશેષતાઓની પ્રાપ્તિ ત્યારે થાય છે જ્યારે આ આવડત દ્વારા મનુષ્યના ગુણ, કર્મ, સ્વભાવ અને વ્યકિતત્વનો વિકાસ થાય. પ્રતિભાને સમુન્નત અને સંસ્કૃત બનાવવામાં સહાયત મળે. નહીંતર ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણથી મનુષ્ય વધારે ખતરનાક થઇ જાય છે તેવા મનુષ્યને બ્રહ્મ રાક્ષસની ઉપમા આપવામાં આવે છે. શિક્ષણના નામે આવું જ કંઇક બખડજંતર ચાલી રહ્યું છે કે તેમાં વ્યકિતત્વનો વિકાસ કરનારા, વ્યવહારિક સભ્યતાના માળખામાં ઢાળનારા, પ્રતિભાને પ્રખર બનાવનારા હેતુઓનો કોઇ પણ કક્ષાએ સમાવેશ થઇ રહ્યો છે? તે આધાર પર જ વ્યકિત, સમાજ અને રાષ્ટ્રને સમુન્નત બનાવવાની તક મળે છે. જો માણસાઇના ગૌરવને અનુરૂપ સિદ્ધિઓનો સમાવેશ ન થઇ શકે તો માત્ર બહુ ભણેલા હોવાના બહાના હેઠળ ઉદ્ધતાઇ અને અભિમાન સાથે સંબંધિત દુર્ગુણોથી છલોછલ ભરેલા કોઇ અભણથી પણ ઊતરતા સિદ્ધ થઇ શકે તેમ છે.

You might also like