ચોરથી તિજોરી ન ખૂલતાં લાખો રૂપિયાના દાગીના બચી ગયા

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી મિલન પાર્ક સોસાયટીમાં કાપડની ફેકટરીનાં માલિકના ઘરમાંથી રૂ.૧૩.૪૦ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.  સૂત્રોનાં જણાવ્યા મુજબ આ ચોરીનો આંકડો રૂ.ર૦થી રપ લાખ સુધી પહોંચ્યો હોત જો નીચેના માળે આવેલી તિજોરીનું તાળું ચોરથી ખૂલી ગયું હોત તો. ચોર ચોરી કરવા આવ્યો ત્યારે તેનાથી માત્ર હેન્ડલ જ તૂટ્યું હતું. પરંતુ તિજોરી ન ખૂલતાં તેણે ઉપરના માળે જઇ ચોરી કરી હતી.

સૂત્રોનાં જણાવ્યા મુજબ મિલન પાર્ક સોસાયટીનાં બંગલા નં.૪૯મા રહેતા મદનલાલ જૈન (ઉ.વ.૪૯) રવિવારે શાહીબાગ ખાતે પારિવારિક પ્રસંગમાં ગયા હતા તે દરમિયાનમાં કોઇ અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશી રૂ.૧૩.૪૦ લાખ ચોરી ગયું હતું. પોલીસ તપાસમાં ચોર પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ્યો હતો અને નીચેના ભાગે આવેલા બેડરૂમમાં પ્રવેશ્યો હતો ત્યાં રૂમમાં આવેલી તિજોરી ખોલવાનો તેણે પ્રયત્ન કર્યો હતો. ચોરથી માત્ર તિજોરીનું હેન્ડલ જ તૂટ્યું હતું. હેન્ડલ તૂટયા બાદ તિજોરીનો દરવાજો ખૂલ્યો ન હતો. જેથી ચોરે ઉપરના માળે જઇ ચોરી કરી હતી. ફરિયાદી મદનલાલના જણાવ્યા મુજબ નીચેના માળે આવેલી તિજોરી ન તૂટતાં લાખો રૂપિયાના દાગીના બચી ગયા હતા. પોલીસે હવે નોકરો ઘરઘાટીઓની તપાસ શરૂ કરી છે.

You might also like