ટેન્કરમાંથી બારોબાર તેલ કાઢી વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશઃ પાંચ શખસની ધરપકડ

અમદાવાદ: કચ્છના કંડલા ખાતેથી સોયાબીન તેલ ભરીને નીકળતા ટેન્કરોમાંથી બારોબાર તેલનો જથ્થો કાઢી વેચી નાખી મોટી કમાણી કરવાના કૌભાંડનો સીઅાઈડી ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી અાશરે રૂપિયા ૫૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખસની ધરપકડ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીઅાઈડી ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે કંડલાથી સોયાબીન તેલ ભરી નીકળતા ટેન્કરોમાંથી ડ્રાઈવર-કન્ડક્ટરના મેળાપીપણામાં તેલનો જથ્થો બારોબાર કાઢી વેચી નાખવાનું કૌભાંડ ચાલે છે. અા બાતમીના અાધારે સીઅાઈડી ક્રાઈમના સ્ટાફે કચ્છના ભચાઉ રોડ પર અાવેલી વિરાત્રા હોટલની પાછળના ભાગે છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતાં જ ગુનેગાર ટોળકીએ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરી ભરત અાહીર, શ્રવણસિંહ સુરાડિયા, ચંપાલાલ નાઈ, અશોક કોળી, ગોવિંદજી ઠાકોર અને ભરત ઠાકોર નામના પાંચ શખસને અાબાદ ઝડપી લીધા હતા.

અા શખસો ટેન્કરમાંથી તેલ ચોરતાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી પ્લાસ્ટિકના ૨૦ કેરબા, તેલના ૭૪૨ ખાલી ડબ્બા, બે ટેન્કર, ચાર મોબાઈલ ફોન, વજનકાંટો, ડબ્બા સીલ કરવાનું મશીન અને તેલ ખેંચવા માટેની પાઈપો મળી અાશરે રૂ. ૫૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન તેલચોરીનું અા કૌભાંડ છેલ્લા છ મહિનાથી ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like