ગુનેગારોને મોકળું મેદાનઃ ચોરી-ચીલઝડપ અને તફડંચીનો જારી રહેલો સિલસિલો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બંદોબસ્તમાં છેલ્લા બે દિવસથી પોલીસ વ્યસ્ત હોવાના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળતાં શહેરમાં ચોરી, ચીલઝડપ, તફડંચી અને અપહરણનો સિલસિલો જારી રહ્યો હતો. જુદા જુદા બનાવોમાં શહેરીજનોએ રૂ.૧૬ લાખની માલમતા ગુમાવી હતી.

વટવામાં પીપળજ સુપ્રીમ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રા.લિ.ના ગોડાઉનના ગેટ પાસે પાર્ક કરેલી ટ્રકની તાડપત્રી કાપી તસ્કરોએ રૂ.સાડા આઠ લાખની કિંમતના પપ નંગ કાપડના તાકાની ચોરી કરી હતી. આનંદનગરમાં આવેલા યોગી ડુપ્લેકસના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોઅે અગત્યના દસ્તાવેજો અને રૂ.સવા લાખની કિંમતનાં ઘરેણાંની ચોરી કરી હતી તેમજ આ જ વિસ્તારમાં સફલ પ્રોફી ટાવરના ચોથા માળે આવેલ એક ઓફિસમાંથી રૂ.દોઢ લાખની કિંમતના ઇલેકટ્રોનિક ઉપકરણોની ચોરી થઇ હતી.

ઇસનપુરમાં ઘોડાસર ચાર રસ્તા પુલ નજીક પાર્ક કરેલી વેગનઆર કારનો કાચ તોડી ગઠિયાએ કારચાલકની નજર ચૂકવી લેપટોપ, ચાર્જર, ડોંગલ અને રોકડ રકમની તફડંચી કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નરોડામાં સન એકઝોટિકાના એક મકાનમાં તસ્કરોએ ઘૂસી રૂ.પપ,૦૦૦નાં ઘરેણાંની તફડંચી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ચાંદલોડિયામાં નિર્ણયનગર નજીકથી પસાર થઇ રહેલ શાંતાગૌરી ચાવડા નામની વૃદ્ધાના ગળામાંથી રૂ.પ૦,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઇ હતી. રામોલબ્રિજ પાસે રિક્ષાચાલક તેમજ તેના સાગરીતોએ ધવલ જૈન નામના યુવાનને માર મારી મોબાઇલ ફોન, લેપટોપ તથા રોકડ રકમની લૂંટ ચલાવી હતી. સોલામાં સાયન્સ સિટી રોડ પર આવેલ હીરવા બ્યુટિક નામની દુકાનનું તાળું તોડી રૂ. દોઢ લાખની કિંમતનું કાપડ તથા ચણિયાચોળીની ચોરી કરતાં પોલીસે આ અંગેે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like