શહેરમાં તસ્કરોનો તરખાટઃ ચોરી, ચીલઝડપ અને તફડંચીનો સિલસિલો

અમદાવાદ: શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત્ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં ચોરી, ચીલઝડપ અને તફડંચીના બનાવોનો સિલસિલો જારી રહેતા શહેરીજનોએ અાશરે રૂ. ૧૪ લાખની માલ મતા ગુમાવી છે.

જુહાપુરામાં અાવેલી રંગઅવધૂત સોસાયટીના એક મકાનની તિજોરી તોડી તસ્કરો ઘરેણાં અને રોકડ રકમ મળી અાશરે રૂ. આઠ લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે નારણપુરામાં સરદાર પટેલ બાવલા નજીક અાવેલી એક દુકાનનું તાળું તોડી તસ્કરોએ કોસ્મેટિક ચીજ-વસ્તુઓ, પાન-મસાલા અને રોકડ રકમ મળી રૂ. ૧.૭૫ લાખ મતાની ચોરી કરી હતી. થલતેજ સિગ્નેચર કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલ એક સેન્ટ્રો કારની પણ ઉઠાંતરી થવા પામી હતી.

કુબેરનગરમાં સિંધુ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલ હર્ષાબહેન બાબાનીના ગાળામાં સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી જ્યારે વાડજમાં નિર્ણયનગર ગ્રીન એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહેલ કલાવતીબહેન ઠક્કરના ગળામાંથી રૂ. ૩૫ હજારના સોનાના દોરાની અને પાલડી મોહમ્મદી મસ્જિદ નજીકથી પસાર થઈ રહેલ સંજયભાઈ શાહના ગળામાંથી રૂ. ૨૭ હજારની સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. તેમજ જૂના વાડજમાં અાવેલ સુભાષનગર એપાર્ટમેન્ટમાં તિજોરી રિપેર કરવાના બહાને અાવેલ બે શખસ એક મહિલાને વિશ્વાસમાં લઈ રૂ. પોણા લાખની કિંમતના દાગીના તફડાવી ફરાર થઈ ગયા હતા.

You might also like