ઈન્ડિયન રેવન્યૂ સર્વિસના મહિલા અધિકારીના ઘરમાંથી આઠ લાખની ચોરી

અમદાવાદ: મેમનગરની તીર્થનગર સોસાયટીમાં રહેતા ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં ફરજ બજાવતા અધિકારીના ઘરમાંથી તસ્કરો આઠ લાખની મતાની અને ગોતા વિસ્તારમાં ખાનગી કંપનીના મેનેજરના ઘરમાંથી અગિયાર તોલાના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. મેમનગરની તીર્થનગર સોસાયટીમાં પીયૂષભાઇ રાવલ તેમના પરિવાર સાથે રહે છે. તેમનાં પત્ની વૃંદાબા ગોહિલ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં ફરજ બજાવે છે.

હાલમાં તેમની રશિયાના મોસ્કો ખાતે ફર્સ્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થતાં તેઓ પરિવાર સાથે દસ દિવસ પહેલાં મકાન બંધ કરી રશિયા ગયા હતા અને મકાનની સારસંભાળની જવાબદારી શાહીબાગમાં રહેતા તેમના મિત્ર શૈલેશભાઇ શાહને સોંપી હતી. ગઈ કાલે બપોરે શૈલેશભાઇ પીયૂષભાઈના ઘરે ગયા હતા. ઘરમાં જઈને બાળકોના રૂમમાં જોતાં બારીની ‌િગ્રલ તૂટેલી હતી અને બેડરૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો.

આ અંગે પીયૂષભાઈને જાણ કરાતાં તેમણે જણાવ્યું કે ઘરમાં આશરે સાતેક લાખ રૂપિયાના દાગીના અને કાંડાઘડિયાળ હતાં. આમ, તસ્કરો ઘરમાંથી ૭.૪૬ લાખ મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શૈલેશભાઇએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ગોતાના વંદે માતરમ્ ટાઉન‌િશપમાં રહેતા રાજેશભાઈ વ્યાસનો રવિવારે જન્મદિવસ હોવાથી તેઓ સવારે પરિવાર સાથે બહાર જમવા માટે ગયા હતા. સાંજે ઘરે પરત આવતાં ઘરમાં આશરે અગિયાર તોલાના દાગીના અને રોકડ રકમની ચોરી થઇ હતી.

You might also like