છાબ જોવા ગયા અને રૂ.૨.૬૪ લાખની મતાનું પર્સ ચોરાઈ ગયું!

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં અાવેલા બે પાર્ટીપ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક જ દિવસમાં ચોરીના બનાવો બનવા પામ્યા છે. બોડકદેવ વિસ્તારમાં અાવેલા એક પાર્ટીપ્લોટમાંથી રૂ. ૨.૬૪ લાખ ભરેલા પર્સની તથા ઈસ્કોન ચાર રસ્તા પાસે અાવેલા શ્રીફળ પાર્ટીપ્લોટમાંથી રૂ. ૨.૪૮ લાખ દાગીનાની ચોરીનો બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી છે.
વડોદરામાં રહેતો પરિવાર અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં લગ્નની છાબ જોવા મહિલા પોતાનું પર્સ તેની બહેનપણી પાસે મૂકીને ગઈ ત્યારે કોઈ અજાણી વ્યક્તિ તે પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પર્સમાં રોકડા રૂ.૨૫,૦૦૦, સોનાની દાગીના અને મોબાઈલ ફોન મળી રૂ.૨.૬૪ લાખની મતા હતી.

આ અંગે મહિલાની ફરિયાદને આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના અકોરા સ્ટેડિયમ પાછળ સનક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતાં રેખાબહેન વિનોદરાય રાજ્યગુરુ (ઉ.વ.૫૪) તેમના પરિવાર સાથે અમદાવાદ પોતાના નાનાભાઈની દીકરીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. ગઈ કાલે બપોરે બોડકદેવના કૃષ્ણ ફાર્મ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. રેખાબહેન તેઓની બહેનપણી રાગિણીબહેન પટેલ પાસે એક કાળા કલરની બેગ જેમાં સોનાના દાગીના, રોકડ રૂ.૨૫,૦૦૦ અને મોબાઈલ મળી રૂ.૨.૬૪ લાખની મતા તેમાં મૂકી લગ્નની છાબ જોવા ગયાં હતાં.

દરમિયાનમાં કોઈ અજાણી વ્યક્તિ આ કાળા કલરની બેગ લઈ ફરાર થઈ ગયું હતું. આ અંગે રાગિણીબહેને રેખાબહેનને જાણ કરી હતી. ત્યાં હાજર લોકોએ પાર્ટી પ્લોટમાં તપાસ કરી હતી પરંતુ બેગ ક્યાંય મળી આવી ન હતી. આ અંગે રેખાબહેને પોલીસ ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વાસણાની ધારી સોસાયટીમાં રહેતા અપૂર્વભાઈ પંડ્યા ઈસ્કોન ચાર રસ્તા પાસેના શ્રીફળ પાર્ટીપ્લોટમાં લગ્નમાં ગયા હતા ત્યારે અજાણી વ્યક્તિ તેઓનું પર્સ ચોરી ફરાર થઈ ગઈ હતી.  હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો હોઈ ટાબરિયા ગેંગ આવી ચોરીમાં વધુ સક્રિય બનતી હોય છે. જેથી પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

You might also like