‘આગળ ચેકિંગ ચાલે છે’ કહી વૃદ્ધાના દાગીના ઊતરાવી લીધા

અમદાવાદ: શહેરમાં ફરી એક વાર નકલી પોલીસે તરખાટ મચાવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રેડિયો મિર્ચી રોડ પર આજે સવારે બે શખસો આગળ ચેકિંગ છે, તમારા દાગીના મૂકી દો કહી સોનાની બંગડીઓ ઊતરાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનવા પામી છે.  ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પરથી આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ એક વૃદ્ધા દૂધ લેવા નીકળ્યાં હતાં. દરમિયાનમાં બાઈક પર આવેલા બે શખસો વૃદ્ધાને ઊભાં રાખી આગળ ચેકિંગ છે, તમારા દાગીના ઉતારી દો તેમ કહીને દાગીના પડીકામાં મૂકી દઇને દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. વૃદ્ધાએ થોડા આગળ જઈને પડીકામાં જોતાં ખોટી બંગડીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

સોનાની બંગડીઓ અને ચેઈન લઈ બંને યુવકો ફરાર થઈ જતાં વૃદ્ધાએ આ અંગે પોલીસને જાણ કરતાં આનંદનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આનંદનગર પોલીસે હાલ આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન નકલી પોલીસે તરખાટ મચાવ્યો છે, પરંતુ અસલી પોલીસ હજુ સુધી નકલી પોલીસ સુધી પહોંચી શકી નથી.

You might also like