બોડકદેવમાં બાલાજી પ્લાઝા કોમ્પ્લેક્સની છ દુકાનનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં ચીફ જસ્ટિસ બંગલોઝની સામે આવેલા બાલાજી પ્લાઝા કોમ્પ્લેકસમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ૧૭થી ર૦ વર્ષની ઉંમરના ચારથી પાંચ તસ્કર કોમ્પ્લેકસમાં આવેલ છ જેટલી દુકાનનાં તાળાં તોડયાં હતાં. જોકે દુકાનોમાંથી કોઇ ખાસ વસ્તુ મળી નહોતી. તસ્કરો હેર કટિંગની દુકાનમાંથી પૈસા ન મળતાં તેઓએ દુકાનમાં શેવિંગ ફોમ છાંટી દીધું હતું. તસ્કરોએ દુુકાનમાં શૌચક્રિયા પણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોડકદેવ વિસ્તારમાં બાલાજી પ્લાઝા નામના કોમ્પ્લેકસમાં આવેલ મોબાઇલ ફોન, હેર કટિંગ, રેડીમેડ કપડાં, કમ્પ્યૂટર એસેસરીઝ વગેરેની દુકાનનાં તાળાં તૂટયાં હોવાની જાણ લોકોને થતાં તઓએ પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ મેસેજ મળતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

તસ્કરો બાજુના કોમ્પ્લેકસમાં પણ ત્રાટકયા હતા અને એક દાંતના દવાખાનામાં પણ દરવાજો તોડી ઘૂસ્યા હતા. જોકે દવાખાનામાં પણ કંઇ ન મળતાં તેઓએ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. દાંતના દવાખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો આબાદ કેદ થઇ ગયા હતા. ૧૭થી ર૦ વર્ષના બે યુવાન સીસીટીવી કેમેરામાં દેખાયા હતા. તેની સાથે બે અન્ય યુવાન પણ કેમેરામાં કેદ થઇ ગયા હતા.

હેર કટિંગની દુકાન ધરાવતા ભરતભાઇ ગોહિલે જણાવ્યું હતું કે ગત રાત્રે અમે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. બાદમાં મોડી રાત્રે કેટલાક શખ્સો દુકાનનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા. જોકે ગલ્લામાં પૈસા ન હોવાથી તેઓએ દુકાનમાંથી શેવિંગ ફોમ લઇ આખી દુકાનમાં છાંટી દીધું હતું. કમ્પ્યૂટર એસેસરિઝની દુકાન ધરાવતા અંકુશભાઇ કેસરીએ જણાવ્યું હતું કે અમારી દુકાનમાંથી પણ તસ્કરોએ પેન ડ્રાઇવ, માઈક્રો એસડી કાર્ડ વગેરેની ચોરી કરી છે. વસ્ત્રાપુર પોલીસે હાલ સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ  શરૂ કરી છે.

You might also like