યુવકે ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને ઢોર માર માર્યો

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી પર મોડી રાતે સોસાયટીના એક યુવકે પૈસાની લેતીદેતીના મામલે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હુમલો કર્યો હતો. વૃદ્ધ દંપતીના પુત્રએ સોસાયટીના યુવક પાસેથી ચારથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા, જે ન ચૂકવાતાં ગઇ કાલે રાત્રે તેણે વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બાપુનગરની સર્વોદય સોસાયટીમાં ધીરુભાઇ ભગવાનભાઇ પટેલ તેમનાં પત્ની લાભુબહેન સાથે રહે છે. તેમના ર૩ વર્ષીય પુત્ર જિજ્ઞેશે સોસાયટીમાં રહેતા પ્રવીણ નામના યુવક પાસેથી ૪ થી પ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ પૈસાની ચુકવણી કર્યા વગર જિજ્ઞેશ અમદાવાદ છોડી ફરાર થઇ ગયો હતો. પ્રવીણ તેના ઉધાર આપેલા પૈસાની ‌િજજ્ઞેશનાં માતા-પિતા પાસે માગણી કરતો હતો. જિજ્ઞેશના પિતા ધીરુભાઇએ પ્રવીણને ખાતરી આપી હતી કે તારા પૈસા હું મકાન વેચીને પણ ચૂકવી આપીશ, પરંતુ ગઇ કાલે મોડી રાતે પ્રવીણે ધીરુભાઇના ઘરમાં ઘૂસી જઇ તોડફોડ કરી હતી અને એલઇડી ટીવી, બારી-બારણાં તોડી બંનેને ઢોર માર માર્યો હતો.

વૃદ્ધ દંપતીને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ ખસેડાયાં હતાં. બનાવ બાદ આરોપી પ્રવીણ ફરાર થઇ ગયો હતો. બાપુનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like