બોડકદેવમાં વેપારીના બંગલામાં તસ્કરો ત્રાટક્યાઃ રૂ.૨.૯૩ લાખની ચોરી

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા બોડકદેવ અને વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગમાં તસ્કરોએ ત્રાટકી લાખોની મતાની ચોરી કરી છે. બોડકદેવમાં આવેલા હવેલી બંગલોઝમાં વેપારીના ઘરમાં ત્રાટકી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.૨.૯૩ લાખની મતા ચોરી ગયા હતા, જ્યારે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ નજીક આવેલી સોપારીની હોલસેલની દુકાનમાંથી તસ્કરો રૂ.૧.૯૨ લાખની સોપારીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ હવેલી બંગલોઝમાં રહેતા અને ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનો વેપાર કરતા મૃગેશભાઈ ત્રિવેદી બુધવારે રાત્રે પરિવાર સાથે બહાર ફરીને ઘરે પરત આવી ઉપરના માળે બેડરૂમમાં સૂઈ ગયા હતા. દરમિયાનમાં રાત્રિના સમયે નીચેના બેડરૂમની બારીમાંથી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને લેપટોપ મળી કુલ રૂ.૨.૯૩ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ વેજલપુર બકેરી સિટીમાં રહેતા જિજ્ઞેશભાઇ પોપટ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલી પ્રશાંતપાર્ક સોસાયટીમાં શ્રીજી ટ્રેડર્સના નામે સોપારીનો જથ્થાંબધ વેપાર કરે છે. બુધવાર રાત્રે તેઓ દુકાન બંધ કરી ગયા હતા. દરમિયાનમાં રાત્રે તસ્કરો દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી ૧૨ બોરી સોપારી અને રોકડા રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૧.૯૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like