એસજી હાઈવે પર આવેલા આરબીઝેડ જ્વેલર્સનો કારીગર ૧૧ લાખનું સોનું લઈ ફરાર

અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર રાજપથ ક્લબ પાસે આવેલા આરબીઝેડ જ્વેલર્સમાં કામ કરતો બંગાળી કારીગર ગ્રાહકોનું રૂ. ૧૧ લાખનું સોનું લઈ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જ્વેલર્સના કર્મચારીએ ફોન કરતાં પોતે સોનું લઈ વતન ગયો હોવાનું જણાવી ફોન બંધ કરી દીધો હતો. પોલીસે હાલ આરોપી કારીગરની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ એસજી હાઈવે પર રાજપથ ક્લબ પાસે આર.બી.ઝેડ. જ્વેલર્સનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમમાં બંગાળના અનેક કારીગરો ગ્રાહકોના ઓર્ડર મુજબ દાગીના બનાવવાનું કામ કરે છે. મૂળ બંગાળના દિક્પલા મજપરનો રહેવાસી શાહીનુર મોન્ડલ (ઉં.વ. ર૪) ત્યાં કારીગર તરીકે નોકરી કરતો હતો. ર ઓગસ્ટથી લઈ ર૩ સપ્ટેમ્બર સુધીમાં અલગ-અલગ તારીખ દરમ્યાન કુલ ૬૬૩ ગ્રામ જેટલું સોનું ગ્રાહકોના ઓર્ડર મુજબ તેને બનાવવા માટે આપવામાં આવ્યું હતું.

આ જ સમય દરમ્યાન ૩૩ર ગ્રામ જેટલું સોનું બનાવીને તેણે પરત કર્યું હતું. બાકીનું ૩૪૧ ગ્રામ સોનું તેણે ઓફિસમાં પરત જમા કરાવ્યું ન હતું.

ર૩ સપ્ટેમ્બરના રોજ તે નોકરી પરથી કહ્યા વગર જતો રહ્યો હતો, જેથી તેના મકાનમાં તપાસ કરતાં તે મળી આવ્યો ન હતો. તેની સાથે કામ કરતા કારીગરો પણ કામ છોડી જતા રહ્યા હતા, પરંતુ તેઓએ સોનું જમા કરાવી દીધું હતું. જ્વેલર્સના એચ.આર. દ્વારા શાહીનુરને ફોન કરાતાં પોતે વતન ગયો છે અને સોનું તેની પાસે છે. હું કહું ત્યાં આવીને લઈ જજો તેમ કહી તેણે ફોન બંધ કરી દીધો હતો. આ અંગે જ્વેલર્સના વહીવટી અધિકારીએ ફરિયાદ આપતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી કારીગરની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં માણેકચોક વિસ્તારમાં પણ અનેક સોની સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. મોટા ભાગે પશ્ચિમ બંગાળના કારીગરો આ સોનું બનાવતા હોય છે. સોનીઓ કારીગરો પર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાનું સોનું બનાવવા માટે આપતા હોય છે, પરંતુ કેટલાક કારીગરો વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાનું સોનું લઇ પશ્ચિમ બંગાળ પોતાના વતનમાં નાસી જાય છે. આવા તો અનેક કિસ્સાઓ પહેલા બની ચૂક્યા છે, જેમાં પોલીસ ક્યારેક જ આરોપી સુધી પહોંચી શકે છે અથવા તો તમામ સોનું પરત મેળવે છે.

સોનું બનાવતા કારીગરો મોટા ભાગે પરપ્રાંતીય હોય છે અને તેઓ સોનું લઇને ફરાર થઇ જવાની ઘટનાઓ બને છે છતાં પણ સોનીઓ જાગ્રત થતા નથી. જો તેમની દુકાનમાં કામ કરતા કારીગરોની માહિતી પોલીસ સુધી પહોંચાડવામાં આવે અને તેઓનો ડેટા પોલીસને આપવામાં આવે તો ચોરીની ઘટના બાદ તેમના સુધી પહોંચવામાં પોલીસને સરળતા થઇ શકે છે.

You might also like