શહેરમાં તસ્કરોનો તરખાટઃ છેલ્લા બે દિવસમાં રૂપિયા ૧૮ લાખની ચીજ-વસ્તુઓની ઉઠાંતરી

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ ભારે ત્રાસ વર્તાવી છેલ્લા બે દિવસ દરમિયાન સાત મકાનોનાં તાળાં તોડી અાશરે રૂ. ૧૮ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચાંદલોડિયા વિસ્તારમાં અાવેલ શ્રીદર્શન એપાર્ટમેન્ટના એક મકાનના તસ્કરોએ ધોળા દહાળે તાળાં તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અાશરે રૂ. ૬ લાખની માલમતાની ચોરી કરી હતી. જ્યારે અાંબાવાડીમાં મિથિલા સોસાયટીના એક મકાનની બારીનો કાચ તોડી તસ્કરોએ મકાનમાં ઘૂસી ત્રણ લેપટોપ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી રૂ. બે લાખની મતાની ઉઠાંતરી કરી હતી.

સરદારનગરના છારાનગર ખાતે અાવેલી ફ્રી કોલોનીના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રૂ. સવા બે લાખની કિંમતનાં ઘરેણાંની ચોરી કરી હતી. તેમજ અા જ વિસ્તારમાં અાવેલી ભાગ્યોદય સોસાયટીના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રૂ. ૬૦ હજાર મતાની ચોરી કરી હતી. જ્યારે કાગડાપીઠમાં અાવેલ મજૂરગામ નજીકની રંગ સોસાયટીના એક મકાનમાંથી ઘરેણાં અને રોકડ મળી રૂ. દોઢ લાખની મતાની ચોરી કરવામાં અાવી હતી.

જ્યારે સેટેલાઈટમાં ઈસ્કોન મંદિર પાસે પાર્ક કરવામાં અાવેલી એક સેન્ટ્રો કારની તસ્કર તોળકીએ ઉઠાંતરી કરી હતી. અા ઉપરાંત નરોડા વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ નજીક પાર્ક કરેલી એક કારના દરવાજાનો કાચ તોડી ગઠિયાએ કારમાંથી રૂ. અઢી લાખની રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજોની તફડંચી કરી હતી. વટવા જીઅાઈડીસીમાં ફેઝ નંબર-૪માં અાવેલ એક કંપનીની ઓફિસમાંથી રૂ. ૬૦ હજારની રોકડ રકમની ચોરી થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

You might also like