ઘાટલોડિયામાં અંબાજી માતાનાં મંદિરમાંથી આભૂષણો ચોરાયાં

અમદાવાદ: શહેરના સોલા રોડ પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ પાસેના અંબાજી માતાનાં મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મંદિરમાંથી માતાજીનાં આભૂષણો, રોકડા રૂ.૧૫,૦૦૦ અને કુલ રૂ.૧.૩૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ ઘાટલોડિયા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂજારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘાટલોડિયા સોલા રોડ પર સંજયનગર રોડ પર ચાંદની એપાર્ટમેન્ટ નજીક અંબાજી માતાજીનું મંદિર આવેલું છે. શુક્રવારે રાત્રે નિયમ મુજબ બંધ કરવામાં આવ્યું હતું.

દરમિયાનમાં મોડી રાત્રે તસ્કરોએ મંદિરને ટાર્ગેટ બનાવી તાળુ તોડી મંદિરમાંથી માતાજીના હાર, મુગટ, ચાંદીના ઝાંઝર, શણગાર તેમજ રોકડા રૂ. ૧૫,૦૦૦ મળી કુલ રૂ.૧.૩૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મોડીરાત્રે તસ્કરોએ કોંસ વડે મંદિરનાં તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી.વહેલી સવારે પાંચ વાગ્યે પૂજારી મંદિરે આવ્યા ત્યારે મંદિરમાં ચોરી થઈ
હોવાની જાણ થઈ હતી. જેથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતાં ઘાટલોડિયા પોલીસ તેમજ ડોગ સ્કવોડ, એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં આસપાસના લોકોને તેમજ મંદિરે દરરોજ દર્શન માટે આવતા લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ ફેલાયો હતો. ઘાટલોડિયા પોલીસે આ અંગે રમેશભાઈ અંબાલાલ જોષીની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉપરાંત ઈસનપુર વટવા રોડ પર આવેલી જુદી જુદી મોબાઈલની દુકાનનાં તસ્કરોએ તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.જોકે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નહોતી.

You might also like