ડબ્બો ગરમ થાય એટલે બંગડીઅો કાઢીને બ્રશથી સાફ કરી દેજો

અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં વાસણ ધોવાના લિક્વિડથી દાગીના ચમકાવવાનું કહીને બે ગઠિયાઓ 62 હજાર રૂપિયાની 6 સોનાની બંગડી નજર ચુકવીને લઇ ગયા છે. બે મહિના પહેલા મણિનગર વિસ્તાર તેમજ ખોખરા વિસ્તારમાં પણ દાગીના ચમકાવવાનું કહીને ગઠિયાઓ સોનાની બંગડીઓ લઇને જતા રહ્યા હતા.

ઘોડાસર વિસ્તારમાં આવેલ ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા રૂપલબહેન દીપકભાઇ ત્રિવેદીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે ગઠિયાઓ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. ગઇ કાલે સવારે સાડા દસેક વાગ્યાની આસપાસ રૂપલબહેન અને તેમનાં માતા ચંદનબહેન ઘરમાં હતાં તે સમયે વિદ્યાર્થી બનીને આવેલા બે અજાણ્યા યુવકો તેમના ઘર પાસે આવ્યા હતા અને કંપનીમાંથી આવીએ છીએ તેમ કહ્યુ હતું. યુવકોએ રૂપલબહેનને જણાવ્યું હતુંકે અમે ફ્રીમાં વાસણ સાફ કરવાનાં સેમ્પલ આપીએ છીએ તમે ઘરમાંથી પિત્તળનાં વાસણો લઇને આવો. યુવકોની વાતનો વિશ્વાસ કરીને ચંદનબહેન પિત્તળની દીવી લઇને આવ્યા હતા અને પાઉડરથી તેને સાફ કરીને ચમકાવી દીધી હતી.

ત્યારબાદ બંને યુવકોએ બેગમાંથી સોનું સાફ કરવાનો પાઉડર કાઢ્યો હતો. રૂપલબહેને 62 હજાર રૂપિયાની 6 બંગડી કાઢીને એક વાટકીમાં મૂકી દીધી હતી તે સમયે બંને યુવકો જતા રહ્યા હતા. થોડાક સમય પછી બંને યુવકો પરત આવ્યા હતા અને રૂપલબહેન પાસેથી સ્ટીલનો ડબ્બો માગ્યો હતો. જેમાં બંગડી મૂકી હતી. યુવકોએ રૂપલબહેન અને તેમનાં માતાની નજર ચુકવીને ડબ્બા માંથી બંગડીઓ કાઢી લીધી હતી અને તેમાં શેમ્પૂવાળું પાણી ભરીને ગેસ પર ગરમ કરવા માટે મુક્યો હતો. યુવકોએ રૂપલબહેનને કહ્યું હતુંકે ગેસ પર ડબ્બો થોડોક ગરમ થાય ત્યારે તેમાંથી બગડીઓ કાઢીને બ્રશથી સાફ કરી દેજો. તેમ કહીને યુવકો બાઇક લઇને જતા રહ્યા હતા થોડાક સમય પછીરૂપલબહેને ડબ્બો ખોલ્યો તો તેમાં સોનાની બંગડી ગાયબ હતી. રૂપલબહેન સાથે થયેલી છેતરપિંડી મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like