‘તારા ઘરના સભ્યો ગનપોઈન્ટ પર છે’: પ્રહ્લાદનગરમાં ૧૧ લાખની લૂંટ

અમદાવાદ: શહેરના પ્રહ્લાદનગર વિસ્તારમાં આવેલા અાર્યાવર્ત બંગલોઝમાં આજે વહેલી સવારે રૂ. ૧૧ લાખની લૂંટનો બનાવ બનવા પામ્યો છે. બંગલોઝમાં ઉપરના માળે સૂઇ રહેલી ૧૪ વર્ષીય કિશોરીને સિક્યોરિટી ગાર્ડના ડ્રેસમાં આવેલા શખસે ડિસમીસ જેવું હથિયાર બતાવી અને ‘તારો પરિવાર ગનપોઈન્ટ પર છે’ તેમ કહીં ડરાવી-ધમકાવીને રોકડા રૂ. એક લાખ અને સોના-હીરાના દાગીના વગેરે મળી કુલ રૂ. ૧૧ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રહ્લાદનગરમાં રમાડા હોટલ પાસે આવેલા અાર્યાવર્ત બંગલોઝના ૧૨-એ નંબરના બંગલામાં નિમિતાબહેન કેતનભાઇ બ્રહ્મક્ષત્રિય તેમની ૧૪ વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે. કેતનભાઇ હાલમાં દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે. ગત રાત્રે ૧૪ વર્ષીય તેમની પુત્રી ઉપરના માળે સૂઇ રહી હતી. નિમિતાબહેન અને તેમનો પુત્ર નીચેના માળે સૂઇ રહ્યાં હતાં. દરમિયાનમાં ઉપરના માળનો દરવાજો ખુલ્લો હતો, તેમાંથી એક અજાણી વ્યક્તિ ઘરમાં ઘૂસી હતી અને ઘરમાં સૂઇ રહેલી કિશોરીને તે વ્યક્તિઅે ઉઠાડી હતી અને ડિસમીસ જેવું હથિયાર બતાવી ‘તારો પરિવાર ગનપોઈન્ટ પર છે.’ ડરાવી-ધમકાવીને તારા ઘરમાં વસ્તુઓ ક્યાં પડી છે તે બતાવ એમ કહીને સોના-ચાંદીના દાગીના અને હીરા વગેરે મળીને રૂ. ૧૧ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. વહેલી સવારે બનેલી ઘટનાને લઇને પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી અને આ અંગે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે લૂંટારુએ સિક્યોરિટી ગાર્ડનો ડ્રેસ પહેર્યો હતો. પોલીસે હાલમાં નિમિતાબહેનની ફરિયાદ નોંધીને આસપાસના બંગલોઝ તેમજ ફ્લેટના સિક્યોરિટી ગાર્ડ વગેરેની તપાસ શરૂ કરી છે.

આનંદનગર પીઆઇ જે. બી. ડાંગરવાલાએ જણાવ્યું હતું કે ઘરમાં કોઇ લૂંટનો બનાવ નથી બન્યો, પરંતુ ચોરીનો બનાવ બન્યો છે. દરવાજો ખુલ્લો રહી જતાં અજાણી વ્યક્તિએ ઘરમાં ઘૂસીંને રૂ. ૧૧ લાખની મતાની ચોરી કરી છે.

You might also like