તસ્કર ટોળકીનો તરખાટઃ રૂપિયા અાઠ લાખની માલમતાની તફડંચી

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવી રૂ. અાઠ લાખની મતાની તફડંચી અને ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.  નિકોલ વિસ્તારમાં અાવેલા રસરાજ જેકપોટ પાર્ટીપ્લોટમાં કોઈ પ્રસંગમાં હાજરી અાપવા ગયેલા જતિનભાઈ પટેલની નજર ચુકવી કોઈ ગઠિયો રૂ. સવા બે લાખનાં ઘરેણાં ભરેલા થેલાની તફડંચી કરી પલાયન થઈ ગયો હતો. જ્યારે વટવામાં નારોલ નજીક મટન ગલીમાં અાવેલ શ્યામ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાંથી રૂ. અઢી લાખની કિંમતના ૯૭ નંગ પ્રિન્ટિંગ રોલની તસ્કરોએ ચોરી કરી હતી.

જ્યારે ગીતા મંદિર એસટી બસ્ટેન્ડ પ્લેટ ફોર્મ નં.૨૩ નજીક બસની રાહ જોઈને જિજ્ઞાશાબહેન પટેલ ઊભાં હતાં ત્યારે કોઈ અજાણ્યો શખસ તેમના ખભે ભરાવેલ રૂ. દોઢ લાખનાં ઘરેણાં સાથેનું પર્સ કોઈ અજાણ્યો શખસ તફડાવી ફરાર થઈ ગયો હતો. સરદારનગરમાં ગેલેક્સી સિનેમા પાસે અજંતા ઈલોરા કોમ્પ્લેક્સમાં અાવેલ એક દુકાનમાંથી રૂ. ૮૦ હજારની રકમની તફડંચી કરી ગઠિયો રવાના થઈ ગયો હતો. અા ઉપરાંત સેટેલાઈટમાં તપોવન સોસાયટી નજીક કારના દરવાજાના કાચ તોડી રૂ. ૮૬ હજારની તફડંચી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like