યુવાનો શીખી રહ્યા છે વિદેશી ભાષા

પહેલાં માત્ર સારું અંગ્રેજી બોલતાં-વાંચતાં આવડે તો પૂરતું હતું, પરંતુ હવે જેમજેમ સમય બદલાય છે તેમતેમ જુદીજુદી ભાષાઓ શીખવાનો યુવાનોમાં રસ વધતો જાય છે. તેનું એક કારણ એ પણ છે કે આજના યુવાનો હવે વિદેશ સ્ટડી માટે જતા થયા છે. તો વળી ઊંચા પગાર સાથે વિદેશમાં નોકરી માટે સેટ થાય છે. જ્યારે ઘણા યુવાનો વિદેશી ભાષા શીખીને ક્લાસીસ ચલાવે છે તો ઘણા શોખ માટે પણ ભાષા શીખી રહ્યા છે. અંગ્રેજી બોલીને પોતાનું કામ કરતા યુવાનોને હવે અન્ય ભાષાય બોલવી ગમે છે. ઘણો યુવાવર્ગ એવો પણ છે જે ગાઇડનું કામ કરે છે. અલગઅલગ દેશોમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે માટે ભાષા પણ ભિન્ન હોય છે. જે માટે ગાઇડનું કામ કરતા યુવાનો ખાસ કરીને અન્ય દેશની ભાષા શીખે છે. વિદેશી સહેલાણીઓને જ્યારે પોતાની ભાષા બોલતો ગાઇડ મળે છે ત્યારે તેમને ફરવાની વધારે મજા આવે છે અને અનેક ભાષા બોલતા ગાઇડને સારું કમાવાનો મોકો મળે છે. જેથી વિદેશી ભાષા શીખીને યુવાનો પોતાની કરિયર પણ બનાવે છે.

આ સંદર્ભે જૈનમ શાહ કહે છે કે, “હું હાલમાં ફ્રેન્ચ ભાષા શીખી રહ્યો છું. મને પહેલેથી જ ભણવાનો અને ભણાવવાનો શોખ છે. બીએસ.સી કર્યાં પછી મેં વિદેશી ભાષા શીખવાનું નક્કી કર્યું. જેમાં મેં ફ્રેન્ચ ભાષા પર પસંદગી ઉતારી. હું છેલ્લા ત્રણ મહિનાથી વિદેશી ભાષા શીખું છું. હું જ્યારે પરફેક્ટ શીખી જઇશ ત્યારે ક્લાસ શરૂ કરીશ. સાથે એવાં બાળકો, યુવાનો જે પૈસા ખર્ચી વિદેશી ભાષા નથી શીખી શકતા તેમના માટે ખાસ ફ્રી ક્લાસ શરૂ કરીશ. જેથી મારો શોખ પણ પૂરો થાય.” જ્યારે વૈભવી જોષી કહે છે કે, “મને અંગ્રેજી તો ઘણું સારું આવડે છે પરંતુ હવે માત્ર અંગ્રેજી આવડે તેટલું પૂરતું નથી. કંઇક નવું શીખતાં રહેવું જોઇએ. માટે હું સ્પેનિશ ભાષા શીખી રહી છું. જોકે હું તો માત્ર શોખ માટે જ શીખી રહી છું પરંતુ આજના યુવાનોએ માત્ર એક ભાષા પૂરતું સીમિત ન રહેતાં અલગઅલગ ભાષા શીખવી જોઇએ.”

ફોરેન્સ ક્લાસીસ ચલાવતા નીલેશ ગાંધી કહે છે કે, “હવે યુવાનોમાં અનેક ભાષા શીખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને આજનો યુવાવર્ગ ફ્રેન્ચ, સ્પેનિશ, મેન્ડેલિન, જાપાનીઝ અને જર્મન ભાષા વધુ શીખી રહ્યો છે. જુદી જુદી ભાષા શીખવાથી યુવાનોને ઘણો ફાયદો થાય છે. કરિયર બનાવવા માગતા યુવાનો માટે પણ વિદેશી ભાષા શીખવી સારી છે.” નિતનવું કરવા માગતા યુવાનો હાલ વિભિન્ન ભાષા શીખવા તરફ વળ્યા છે. ખાસ કરી વિદેશી ભાષા પર પ્રભુત્વ ધરાવતા યુવાનો માટે કરિયરનો માર્ગ મોકળો અને સરળ બન્યો છે.
હેતલ રાવ

You might also like