જગત મિથ્યા છે એ આપણે સ્વીકારી જ લેવું જોઈએ

જગત મિથ્યા છે. જગત સંબંધી ખોટું કર્યું એ ખોટું જ રહેવાનું. મરણ વખતે માથે ઓઢીને રડે છે એ શું સાચું રડે છે? રામના વિરહથી રડે એ રડવાનું સાચું. દશરથ રાજા સાચું રડયા. રામના વિરહથી તેઓ ખૂબ રડયા હતા. જેના મુખમાં અંત સમયે રામનું રટણ હતું અને આંખમાં રામ વિરહના આંસુ હતાં. આવું કોણ રડી શકે? પુત્ર પરણાવવા લાયક મોટો થાય ત્યારે માતા-પિતાને ખૂબ હર્ષ થાય છે. પુત્ર મોટો થયો. એ મોટો થયો નથી. આવરદામાં ઓછો થયો છે. કાળની સમીપ જાય છે.
એક ભક્તને ઘરે પુત્રનો જન્મ થયો. સૌ વધાઈ આપવા આવ્યા. ભક્ત ઘડીક હસવા માંડે, ઘડીક રડવા માંડે. લોકો કહે, ‘પુત્ર જન્મના આનંદમાં ભગત ગાંડો થઈ ગયો છે.’ આવનારે પૂછયું, ‘આમ કેમ કરો છો? પુત્રના જન્મથી આનંદ થવો જોઈએ. તમે રડો છો કેમ?’ ‘મારો પુત્ર જન્મ્યો પણ મોતના મુખમાં જન્મ્યો છે. ડોકટર સાહેબ આ રોગીને જોઈને કહે છે કે આ બચશે નહીં.’ પડખે ઊભેલ માણસે કહ્યું, ‘તમને તો ૭૦ વર્ષે ખબર પડી. મને તો એ જન્મ્યો તે દિવસે જ ખબર પડી ગઈ હતી કે આ બચશે નહીં.’
જગત મિથ્યા છે. જગતમાં વ્યાવસાયિક ક્રિયાઓ થાય એ મિથ્યા જ હોય છે. તમે લગ્ન પત્રિકા લખો તેમાં પણ લખો છો કે ‘સપરિવાર, મિત્રમંડળ સહિત પધારશો.’ મિત્રો અને પરિવારની એક બસ ભરીને લગ્નમાં આવે તો? તમે કહો કે આટલા બધાને જાનમાં લઈ અવાતું હશે? મૂર્ખ કહેવાય. વિચાર કરો, મૂર્ખ કંકોતરી લખનાર કે આવનાર? તમે લખ્યું છે તે આવ્યા છે એ મૂર્ખ શાનો.
એક કથાકાર રસ્તા પર ચાલતા જતા હતા. આગળ સર્પ દેખાયો. દસ પગલાં પાછા ખસી ગયા. સાથે માણસો હતા. એમણે કહ્યું, ‘તમે પરીક્ષિત મોક્ષ વખતે મૃત્યુનો ભય ન રાખવો, એમ કહેતા હતા અને તમે આટલા બધા ડરી કેમ ગયા?’ ‘જગત મિથ્યા છે એમાં કંઈ સાચું નથી, સર્પ પણ ખોટો, હું ડર્યો એ પણ ખોટું, હું ડર્યો એને સાચું શું કરવા માનો છો.’
એક ભાઈ પોતાના સંબંધીને ઘરે મહેમાન થયા. ઘરધણીએ એની પત્નીને કહ્યું, ‘વોટર બેગ ભરી લે, જલદી કર, બસ ઉપડી જશે.’ ‘હાથમાં તાળું અને સુટકેસ લઈને તૈયાર થયા અને આવેલ સંબંધીને કહેવા લાગ્યા, બહારગામ જવાના સમયે જ તમે આવ્યા. હવે આવો ત્યારે સમય લઈને આવજો.’ મહેમાન કહે, ‘હું સમય લઈને જ આવ્યો છું.’ ખોટા જગતમાં બધું ખોટું જ હોય છે. આથી જ કહેવાયું છે કે માણસે ભગવાન પર જ ભરોસો રાખવાે જોઇએ. ભગવાન જે કંઇ કરે છે તે સારા માટે જ કરે છે તે વાત હંમેશાં સાચી માનવી જોઇએ. માનવીની તમામ ઇચ્છાઓ ભગવાન જ પૂર્ણ કરતા હોય છે. આથી એમ કહી શકાય કે જગત મિથ્યા છે.

You might also like