Trainની પેન્ટ્રી કારના કર્મચારીઓએ મહિલાને છેક વસઈ સુધી પરેશાન કરી

અમદાવાદ: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને મહિલા છો તો સાવધાન થઈ જજો, કારણ કે ટ્રેનમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી. મુસાફરોની સુરક્ષા માટે રેલવે સુરક્ષા દળ (આરપીએફ) હોવા છતાં તમે સુરક્ષિત નથી. સામાન્ય રીતે ટ્રેનમાં અસામાજિક તત્વો  અથવા સાથે મુસાફરી કરતા પેસેન્જર દ્વારા છેડતીની ઘટનાઓ બનતી હોય છે.

પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં પેન્ટ્રી કારના કર્મચારીઓ દ્વારા અમદાવાદથી વસઇ રોડ સુધી મુંબઈની મહિલાની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. કોચમાં મહિલાની સીટ પાસે આવીને ઓર્ડર લેવાના બહાને વારંવાર પરેશાન પણ કરી હતી.

પ્લેટફોર્મ પર મહિલાને બીભત્સ શબ્દો બોલીને તેની સામે બીભત્સ ઈશારા પણ કર્યા હતા. મહિલાએ રેલવે સુરક્ષા દળના અધિકારીની મદદ માગી હતી, છતાં તેને કોઈ મદદ કરવામાં આવી ન હતી. આ અંગે મહિલાએ વસઈ રોડ રેલવે પોલીસમાં ફરિયાદ આપતાં અમદાવાદ રેલવે પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ એક મહિના બાદ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં સ્નેહા (ઉ..વ ૩૭) તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ ડાયટિશિયન છે. ગત એપ્રિલ મહિનામાં તેઓ અમદાવાદ ખાતે પોતાના અંગત કામથી આવ્યાં હતાં. ર૬ મેના રોજ તેમને અમદાવાદ પરત જવાનું હોવાથી અમદાવાદથી ચેન્નઇ જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં તેઓએ બુ‌િકંગ કરાવ્યું હતું.

કામ પૂરું થઈ જતાં તેઓ બપોરના બે વાગ્યાની આસપાસ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પર આવીને બેઠાં હતાં. દરમ્યાનમાં સામેના પાંચ નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ખાલી ગાડીમાં ચાર જેટલા યુવકો બેઠા હતા. ચારેય યુવકો સ્નેહા સામે તાકી રહ્યા હતા. ગંદી નજરથી તેમને જોઈ રહ્યા હોઈ સ્નેહા ડરી ગયાં હતાં.

યુવકોની હરકતથી કંટાળીને સ્નેહાએ પ્લેટફોર્મ પર ઊભેલા બે ભાઈ પાસે મદદ માગી હતી. બંને વ્યક્તિએ સ્નેહાને તેમની સાથે રહેવા જણાવ્યું હતું. ચારેય યુવકો સ્નેહાનો પીછો કરતાં કરતાં ત્યાં આવ્યા હતા. દરમ્યાનમાં બે લેડીઝ પોલીસ કર્મચારી ત્યાંથી પાસ થતાં તેમની પાસે પણ સ્નેહાએ મદદ માગી હતી. બંને લેડીઝ પોલીસ કર્મચારી સાથે હોવા છતાં ચારેય યુવકોની હિંમત ડગી ન હતી અને તેની સામે જોઈ રહ્યા હતા.

પ્લેટફોર્મ નંબર-પ પર સ્નેહાની હમસફર એક્સપ્રેસ ટ્રેન આવી જતાં તેમના એસી કોચમાં જઈને બેસી ગયાં હતાં. યુવકોના બીભત્સ વર્તનથી ડરી ગયેલાં સ્નેહાને કોચમાં હવે કોઈ નહિ હેરાન કરે તેવી આશા બંધાઈ હતી, જો કે ટ્રેન અડધો કલાક ચાલ્યા બાદ જે યુવકો સ્નેહાને હેરાન કરતા હતા તેમાંનો જ એક યુવક પેન્ટ્રી કારના કર્મચારીના ડ્રેસમાં આવ્યો હતો. સ્નેહા તેમની સીટ પર સૂઈ રહ્યાં હતાં ત્યારે વારંવાર આવીને તેમની સામે જોઈ રહ્યો હતો. ઉપરાંત તેમની સાથે અન્ય એક યુવક પણ ત્યાં આવ્યો હતો અને વારંવાર તેમને જમવાનું પૂછતો હતો.

ગભરાયેલાં સ્નેહા તેની સામે પણ જોઈ શકતી ન હતી અને ડરના માર્યા તે ચૂપ રહી અને વસઈ રોડ સ્ટેશન આવવાની રાહ જોઈ રહી હતી. દરમ્યાનમાં રાતના ૧૦ વાગ્યાની આસપાસ વસઈ રોડ રેલવે સ્ટેશન આવતાં સ્નેહા ત્યાં ઊતરી ગયાં હતાં. જેવી ટ્રેનમાંથી તે નીચે ઊતર્યાં ત્યારે છેડતી કરનાર એક યુવક તેમની પાછળ આવ્યો હતો.

તેણે પાછળથી પકડવાનો પ્રયાસ કરતાં સ્નેહા અચાનક પાછળ ફર્યાં અને તેમણે યુવકને ધમકી આપી હતી. હોબાળો થતાં ટ્રેનમાંથી નીચે ઊતરેલા મુસાફરો ભેગા થઇ ગયા હતા. મુસાફરોની ભીડ અને સ્નેહાના મિત્રો તેમને લેવા આવી જતાં યુવક ત્યાંથી પેન્ટ્રી કારમાં ભાગી ગયો હતો.

મોડી રાતે આવી રીતે મહિલાને હેરાન કરતાં લોકો હોબાળો કરીને યુવકને પેન્ટ્રી કારમાંથી બહાર લઇ આવ્યા હતા અને માર માર્યો હતો. પેન્ટ્રી કારનો મેનેજર પણ ત્યાં દોડી આવ્યો હતો અને યુવકને છોડવાનું કહી ફરિયાદ કરવા જણાવ્યું હતું. દરમ્યાનમાં રેલવે સુરક્ષા દળના એક અધિકારી પણ ત્યાં આવ્યા હતા. તેને લોકોએ આ યુવકને સોંપી દીધો હતો. લોકો સાથેની વાતચીતમાં યુવક પોલીસ કર્મચારીનો હાથ છોડાવી નાસી ગયો હતો. યુવક નાસી જવા છતાં તેને પોલીસ કર્મચારીએ પકડ્યો ન હતો.

સ્નેહા એટલી હદે ડરી ગયાં હતાં કે તે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ ત્યાં ઊભી રહ્યાં ન હતાં. બાદમાં તે વસઈ રોડ રેલવે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં પોલીસે તેમણે પાંચ-છ કલાક બેસાડી રાખ્યાં હતાં. ફરિયાદ લીધા બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર બનાવ બન્યો હોઈ ફરિયાદને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી હતી.

અમદાવાદ રેલવે પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરવા માટે વસઇ રોડ રેલવે પોલીસ દ્વારા ૪ મેના રોજ જાણ કરવામાં આવી હોવા છતાં રેલવે પોલીસે ૭ જૂનના રોજ ફરિયાદ નોંધી હોવાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર સ્નેહાએ જણાવ્યું હતું કે રેલવે પોલીસની મદદ માગવા છતાં પોલીસે કોઈ મદદ કરી ન હતી. તેમને ચારેય યુવકો ખૂબ જ ખરાબ નજરથી જોતા હતા, વારંવાર પીછો કરતા અને પોલીસ હોવા છતાં પણ ડરતા ન હતા.

અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી પેન્ટ્રી કારના કર્મચારીઓ છે અને હમસફર વીકલી ટ્રેન છે તથા આ બનાવ એપ્રિલ માસનો છે, જેથી તે દિવસે પેન્ટ્રી કારમાં કયા કયા કર્મચારીઓ હાજર હતા અને કોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવશે અને આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવશે. (મહિલાનું નામ બદલેલ છે)

You might also like