અભદ્ર ટિપ્પણી બદલ મહિલા આયોગ નરેશ અગ્રવાલ સામે કાર્યવાહી કરેઃ અખિલેશ યાદવ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા નરેશ અગ્રવાલની નવી ઇનિંગ્સની શરૂઆત સારી થઇ નથી. ભાજપમાં સામેલ થયા બાદ નરેશ અગ્રવાલે જયા બચ્ચન અંગે કરેલી અનુચિત ટિપ્પણીની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે નરેશ અગ્રવાલના નિવેદનની ઝાટકણી કાઢતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રીમતી જયા બચ્ચન પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી બદલ ભાજપના નરેશ અગ્રવાલના નિવેદનની સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ. અા સમગ્ર ફિલ્મજગત સાથે ભારતની પ્રત્યેક મહિલાનું અપમાન છે. ભાજપ જો ખરેખર નારીનું સન્માન કરતો હોય તો તેમણે નરેન્દ્ર અગ્રવાલ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ એટલું જ નહીં, મહિલા આયોગે પણ નરેશ અગ્રવાલ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.

દરમિયાન, ચોમેરથી ઘેરાયેલા નરેશ અગ્રવાલે પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. માત્ર અખિલેશ યાદવ જ નહીં, પરંતુ નરેશ અગ્રવાલની જયા બચ્ચન અંગેની અભદ્ર ટિપ્પણીના ઉગ્ર પ્રત્યાઘાત ભાજપમાં પણ પડ્યા છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે તેમના નિવેદન પર સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે નરેશ અગ્રવાલનું ભાજપમાં સ્વાગત છે, પરંતુ જયા બચ્ચન અંગે તેમની ટિપ્પણી અનુચિત અને અસ્વીકાર્ય છે.

સુુષમા સ્વરાજ બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પણ નરેશ અગ્રવાલના નિવેદનનો વિરોધ કરતાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જ્યારે પણ મહિલાઓના સન્માનને પડકારવામાં આવે ત્યારે વિચારધારાની લડાઇ ભૂલીને તમામે સંગઠિત થવું જોઇએ. તેમણે સંજય નિરુપમ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર પાંચ વર્ષથી ચાલી રહેલ કેસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કોઇ પણ મહિલાનું અપમાન થવા પર તેઓ વિરોધ કરશે.

રૂપા ગાંગુલીએ પણ નરેશ અગ્રવાલના નિવેદનની ટીકા કરતાં જણાવ્યું હતું કે મને તેમનું નિવેદન ‌સ્વીકાર્ય નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જયા બચ્ચનના યોગદાન પર મને ગૌરવ છે. તેમણે જણાવ્યું હતું કે આ ભાજપની લીડર‌િશપ નથી. નરેશ અગ્રવાલના નિવેદન પર ઊહાપોહ મચી ગયા બાદ ભાજપના પ્રવકતા સંદીપ પાત્રાએ મોરચો સંભાળીને પક્ષનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભાજપ તમામ લોકોનું સન્માન કરે છે. તે પછી કોઇ પણ વર્ગ કે સમુદાયના હોય અથવા ફિલ્મ ક્ષેત્રના હોય.

You might also like