ચૂંટણીનાં ચેકિંગને બહાને મહિલાના ૧૬ તોલાનાં ઘરેણાં તફડાવી ગઠિયા પલાયન

અમદાવાદ: વેરાવળ-સોમનાથ રોડ પરથી પસાર થતી એક મહિલાને ચૂંટણીનું ચેકિંગ ચાલી રહ્યું હોવાની દમદાટી મારી ગઠિયાઓ તેના ૧૬ તોલાના સોનાનાં ઘરેણાં તફડાવી ફરાર થઇ જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, સોમનાથ ખાતે રહેતી ઉષાબહેન રસિકભાઇ સોની નામની મહિલા સાંજના સાત વાગ્યે કોઇ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ પતાવી પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે વેરાવળ-સોમનાથ રોડ પર આવેલા તપેશ્વર મંદિર નજીક બાઇક પર આવેલા બે શખસોએ આ મહિલાને રોકી હતી અને કહ્યું હતું કે અત્યારે ચૂંટણીના કારણે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તમારા ઘરેણાં ઉતારી થેલામાં મૂકી દો આ પછી બંને ગઠિયાઓએ મહિલાને પોતે અધિકારી હોવાનું એક બોગસ કાર્ડ પણ બતાવ્યું હતું.

ગઠિયાઓની દમદાટીના કારણે ગભરાઇ ગયેલી આ મહિલાએ પોતે પહેરેલા સોનાનાં ઘરેણાં ઉતારી નાખી એક થેલામાં મૂકી દીધા હતા. દરમ્યાનમાં ગઠિયાઓએ વાતચીતનો દોર લંબાવી મહિલાની નજર ચૂકવી થેલામાંથી તમામ ઘરેણાં કાઢી લઇ પળવારમાં બાઇક પર વેરાવળ તરફ નાસી છૂટ્યા હતા. પોતે છેતરાઇ ગઇ હોવાની તુરત જાણ થતા મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા અને બે યુવાનોએ તો બાઇક પર ગઠિયાનો પીછો પણ કર્યો હતો. પરંતુ ગઠિયા હાથ લાગ્યા ન હતા.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ વેરાવળ-સોમનાથ રોડ પર નાકાબંધી કરી વાહનચેકિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like