નાના ચિલોડા પાસે લકઝરી બસે કારને ટક્કર મારતાં મહિલાનું મોત

અમદાવાદ: શહેરના નાના ચિલોડા નજીક રૂબી ત્રણ રસ્તા પાસે ગઇ કાલે મોડી રાત્રે લકઝરી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કુબેરનગરમાં રહેતા વેપારીની પત્નીનું મોત નીપજ્યું છે.

જ્યારે ચાર વર્ષનાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ટક્કર માર્યા બાદ લકઝરી બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ કુબેરનગર સી વોર્ડમાં યમનદાસ માખીજા (ઉં.વ.પપ) તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પી.ટી. બ્રધર્સના નામે કાલુપુરમાં દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે.

ગઇ કાલે યમનદાસના સસરાની જન્મ તારીખ હોવાથી યમનદાસ તેમની પત્ની ટીકુબહેન (ઉં.વ.પ૪) પૌત્ર ચારો (ઉં.વ.૪), સાળી રેખાબહેન દીપકુમાર, બીજી સાળી સુરનબહેન દેવલાણી સાંજે ૬-૦૦ વાગ્યે ગાડી લઇ નાના ચિલોડા ખાતે રહેતા તેમના સાળા મનોજભાઇ કરમાણીના ઘરે જમવા ગયા હતા.

ચિલોડા ખાતે જમ્યા બાદ તમામ લોકો ગાડીમાં ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાનમાં નાના ચિલોડા-નરોડા રોડ પર રૂબી ત્રણ રસ્તા પાસે તેઓ પહોંચ્યા ત્યારે નરોડા રેલવે ક્રોસિંગ તરફથી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસ પૂરપાટ ઝડપે આવી હતી અને યમનદાસની ગાડીની ડાબી બાજુએ જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં ગાડી ફંગોળાઇ ગઇ હતી અને ડાબી બાજુનો ભાગ દબાઇ ગયો હતો. આગળ બેઠેલા યમનદાસનાં પત્ની ટીકુબહેન અને બંને સાળીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ચાર વર્ષના ચારોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટીકુબહેનનું મોત નીપજ્યું હતું.

You might also like