બીયુ પરમિશન મળતાંની સાથે Property Taxની આકારણીનો રસ્તો ખૂલશે

અમદાવાદ: કોર્પોરેશનની આવકનું મુખ્ય સ્તોત્ર પ્રોપર્ટી ટેકસ છે. ઓકટ્રોય નાબૂદી બાદ તંત્ર સામાન્ય પ્રજાલક્ષી કામો કે પછી વિકાસના પ્રોજેકટને પાર પાડવા માટે પ્રોપર્ટી ટેકસની આવક પર નિર્ભર થયું છે. જોકે પ્રોપર્ટી ટેકસ વિભાગ પણ અન્ય વિભાગની જેમ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો હોઇ છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રોપર્ટી ટેકસની આવક મેળવવામાં ફાંફાં પડ્યા છે. જેના કારણે સત્તાધીશોએ તમામ નવી મિલકતોમાં બીયુ પરમિશન મળતાંની સાથે તેની ટેકસની આકારણી કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

છેલ્લા નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં ચતુવર્ષીય આકારણી કરાતાં બંને ઝોનમાં મળીને શહેરની કુલ મિલકતોમાં ૧૭ હજાર મિલકતોનો વધારો થયો હતો.

એક અંદાજ પ્રમાણે શહેરની કુલ ૧૯.પ૦ લાખ મિલકતો છે. જોકે જે પ્રકારે શહેરનો વિકાસ થઇ રહ્યો છે તેને જોતાં મિલકતો વધવાની સાથે મ્યુનિ. કોર્પો.ની આવક પણ વધવી જોઇએ. તેમ છતાં પ્રોપર્ટી ટેકસ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદતો હોઇ મ્યુનિસિપલ તિજોરી જોઇએ તેટલી ટેકસની આવકથી છલકાતી નથી.

ટેકસ વિભાગની ગેરરીતિ કહો કે ગોટાળાના કારણે છેલ્લા નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં તંત્રને પ્રોપર્ટી ટેકસનો નિર્ધારીત લક્ષ્યાંક મળ્યો ન હતો અને નિર્ધારીત રૂ.૮પ૦ કરોડના લક્ષ્યાંકથી અંદાજે રૂ.૪૦ કરોડની આવક ઓછી મેળવાઇ હતી. આ બાબતને મ્યુનિ.

કમિશનર મૂકેશકુમારે ભારે ગંભીરતાથી લઇ તમામ નવી મિલકતને બીયુ પરમિશન આપતી વખતે તે મિલકતની નોંધણી પ્રોપર્ટી ટેકસના મોડ્યુલમાં આપોઅપ થઇ જાય તે પ્રકારે સોફટવેરમાં સુધારા-વધારા કરવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપ્યો છે. એટલે હવે પછી એક તરફ નવી મિલકતને બીયુ પરમિશન અપાશે અને તેની સાથે સાથે તે નવી મિલકત પ્રોપર્ટી ટેકસની આકારણી માટે આપમેળે નોંધાઇ જશે. જેનાથી ટેકસની આવકમાં ગાબડું નહીં પડે.

You might also like