ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર સ્ટ્રોક અને હૃદયરોગ જેવા જીવલેણ રોગોની યોગ્ય સમયે જાણ કરવા માટે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાે ઉપયોગ થઈ રહ્યો છે. ગૂગલે ડાયાબિટીસના કારણે થતી આંખની બીમારી, જેમ કે રેટિનોપથીની તપાસ માટે પણ એઆઈ સિસ્ટમ વિકસાવી છે.

લોહીના અસામાન્ય પ્રવાહના કારણે રે‌િટનામાં થતી ખરાબીને રેટિનોપથી કહેવાય છે. આ કારણે વ્યક્તિ દૃષ્ટિહીન થઈ શકે છે. ગૂગલની નવી એઆઈ સિસ્ટમથી આ બીમારીની સરળતાથી અને યોગ્ય સમયે જાણકારી મળી શકે છે. અમેરિકા, બ્રિટન અને સિંગાપોરની સાથે ભારતની પણ હોસ્પિટલમાં આ ટેકનિકનું પરીક્ષણ શરૂ કરાયું છે.

મદૂરાઈની અરવિંદ નેત્ર હોસ્પિટલમાં રોજ દેશ-વિદેશથી આવતા ૨૦૦૦ દર્દીઓમાં રેટિનોપથીની જાણ મેળવવા એઆઈ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ સાત કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને તેઓ દૃષ્ટિહીન થવાનો ખતરો પણ છે. અહીં ૧૦ લાખ લોકો પર આંખના ૧૧ ડોક્ટર જ ઉપલબ્ધ છે. ડાયાબિટિક રેટિનોપથી જેવી બીમારીઓ માટે ડોક્ટરો ઓછા છે. આવામાં એઆઈ ટેકનિક દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

You might also like