2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વ્યાજદર વધારવાની કોઇ શક્યતા નથી. તેમણે જણાવ્યું હતું કે એમ્પ્લોયમેન્ટ માર્કેટ ખરેખર મજબૂત છે, પરંતુ આર્થિક વિકાસદર ધીમો છે. ફેડ રિઝર્વે જણાવ્યું છે કે વ્યાજદર સ્થિર જાળવી રાખવામાં આવશે. આર્થિક વિકાસ અંગે પ્રવર્તતી ચિંતા વચ્ચે એવો સંકેત આપ્યો છે કે વર્ષના બાકીના ભાગ માટે ફેડ રિઝર્વ વ્યાજદર વધારશે નહીં. ફેડ રિઝર્વે વ્યાજદર ૨.૨૫થી ૨.૫૦ પર સ્થિર રાખેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં ફેડ દ્વારા વ્યાજદર ચાર વખત વધારાયો હતો અને ડિસેમ્બર-૨૦૧૫ બાદ નવ વખત એકંદરે વ્યાજદર વધારાયા હતા. ફેડ રિઝર્વે વ્યાજદર નહીં વધારવાનો નિર્ણય કરતા અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. અમેરિકન બજાર એક ટકા વધીને બંધ થયાં હતાં.

ડાઉ જોન્સ ૨૧૬ પોઇન્ટ વધીને ૨૫,૯૬૨ની સપાટી પર બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક ૧૦૯ પોઇન્ટ વધીને ૭,૮૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૩૦ પોઇન્ટ વધીને ૨,૮૫૪ પર બંધ રહ્યો હતો. એપલ-માઇક્રોનના શેરમાં બજાર પર તેજીની અસર જોવા મળી હતી. વ્યાજદર પર ફેડના આઉટલેટથી રોકાણકારો પણ ખુશ છે, જોકે બ્રેન્ટ ક્રૂડ ચાર મહિનાની ટોચ પર અકબંધ રહ્યું હતું.

૧૦ વર્ષની યુએસ યિલ્ડ ઘટવાથી પણ અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. ૧૦ વર્ષની યુએસ યિલ્ડ એક વર્ષની નીચલી સપાટીએ છે, જોકે એશિયાઇ બજારમાં સુસ્તી જોવા મળી છે. એસજીએક્સ નિફ્ટી પણ ૧૦ પોઇન્ટના ઘટાડા સાથે ૧૧,૫૮૧ પર ટ્રેડ કરી રહી છે. નિક્કીમાં પણ ૪૭ પોઇન્ટનો ઘટાડો જોવાયો છે. ફેડ રિઝર્વે એવું પણ જાહેર કર્યું હતું કે સરકાર સમર્થિત સિક્યોરિટીનો જંગી પોર્ટફોલિયો ઘટાડવાની પોતાની યોજના પાછી ખેંચવા પગલાં ભરશે.

You might also like