બિનઅનામત આયોગની પોલિસીને કાલે અંતિમ રૂપ અપાય તેવી શક્યતા

અમદાવાદ: રાજ્ય સરકારે પ અેપ્રિલે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગનું કાર્યાલય શરૂ કર્યું છે. ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે આ વર્ષના નાણાકીય બજેટમાં રૂ.પ૩ર કરોડનું બજેટ છે. જેમાં લગ્નથી લઇને સ્વરોજગાર અને અભ્યાસથી લઇ આવાસ સુધી સવર્ણો માટે સહાય મળશે પરંતુ લાભાર્થી કે તેના વાલીની આવક મર્યાદા રૂ.૮ લાખ કે રૂ. ૬ લાખ રાખવી તે સહિતની પોલિસી તૈયાર હોવાથી અંતિમ નિર્ણય માટે આવતી કાલે કેબિનેટમાં નિશ્ચિત થાય તેવી શક્યતા છે.

સરકારે હવે રૂ.પ૩ર કરોડનાં બજેટ સામે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રપ યોજનાઓ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. આ તમામ યોજનાઓ હાલમાં અનામત વર્ગમાં આવતા એસટી, એસસી અને ઓબીસી માટે જ ઉપલબ્ધ છે જે હવે અલગ બજેટથી ‌બિન અનામત સવર્ણ વર્ગ માટે અમલી થશે.

આ અંગે સામાજિક ન્યાય અધિકારિતા બાબતોના કેબિનેટ કક્ષાના પ્રધાન ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, સરકારે ૧લી એપ્રિલ ર૦૧૮થી આ યોજનાના અમલની તારીખ નિશ્ચિત કરી છે તેથી આ તારીખ પ પછી અરજી કરનારાને લાભ મળશે. પરંતુ યોજનાના લાભ અને પાત્રતા નિયમો સાથેની પોલિસી કેબિનેટમાં મંજૂરી બાદ જાહેર થશે.

પ૮ બિન અનામત જ્ઞાતિના વિકાસ માટે આયોગ કામ કરશે. આયોગમાં કુલ ૧૮ સભ્યની નિમણૂકો થઇ છે. સરકારે ૧૦૦ કરોડ રૂપિયા શેર કેપિટલ તરીકે આપ્યા છે. સવર્ણ જ્ઞાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક વિકાસ કાર્યો ઉપરાંત ખેડૂતો, કારીગરો, મજૂરોને પણ આ જ ફંડમાંથી સહાય મળશે ઉપરાંત આવાસ વીજળી રોજગાર પાણી શિક્ષણ જેવી યોજનાઓ સહિત રપ યોજનાઓ જાહેર થશે.

આ લાભો માટે આવક મર્યાદા રૂ.૬ લાખ રાખવી કે રૂ.૮ લાખ રાખવી તે હજુ નિશ્ચિત નથી. હાલમાં આ અંગેના ફોર્મ જાહેર કરી દેવાયાં છે. અગાઉ યુવા સ્વાવલંબન યોજના જાહેર થઇ હતી. પરંતુ તેના અનેક લાભ નવી યોજનામાં સમાવી લેેવાયા હોવાથી યુવા સ્વાવલંબન યોજના બંધ કરાશે જોકે તેનું બજેટ ૧૦૦૦ કરોડનું હશે તેવી જાહેરાત કરાઇ હતી.

જ્યારે નવી સવર્ણ યોજનામાં બજેટ ઘટાડી રૂ.પ૩ર કરોડ જાહેર કરાયું છે. હાલમાં બિન અનામત વર્ગમાં આવતા લોકોને સર્ટિફિકેટ અપાવાનું શરૂ થયું છે. પણ તેના માપદંડ નિશ્ચિત નથી તેથી તેનો ખરેખર લાભ કેટલાને મળશે તે નિશ્ચિત નથી. યોજનાઓની રકમ નિયમો વગેરેની પોલિસી આવતી કાલની કેબિનેટ બેઠકમાં નિશ્ચિત થવાની શક્યતા છે.

You might also like