અમેરિકા પર કાતિલ ઠંડીનો ખતરો: તાપમાન માઈનસ ૫૩ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા

728_90

(એજન્સી) વોશિંગ્ટન: અમેરિકામાં હવામાન વિભાગે આ સપ્તાહે કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે, જેમાં જણાવાયું છે કે આ પ્રકારની ઠંડી અનેક વર્ષો બાદ એક વખત પડે છે. આગાહી પ્રમાણે અમેરિકામાં તાપમાન માઈનસ ૫૩ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગગડી શકે છે. સબ પોલર વોર્ટેક્સ એટલે કે ઠંડા પવનોના કારણે થયેલા આર્કટિક કોલ્ડ બ્લાસ્ટના પગલે આ કાતિલ ઠંડી પડશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ સાડા પાંચ કરોડ લોકોને તેની સીધી અસર થશે. વિસ્કોન્સિન, મિશિગન અને ઈલિનોડ્સ જેવા મધ્ય પશ્ચિમી રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગના અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, તેઓ બહાર નીકળે ત્યારે ઊંડા શ્વાસ લેવાથી દૂર રહે અને શક્ય હોય તેટલી ઓછામાં ઓછી વાત કરે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસનું કહેવું છે કે, આ પ્રકારની કાતિલ ઠંડીમાં ૧૦ મિનિટ સુધી બહાર રહેવું પણ અત્યંત ઘાતક નીવડી શકે છે અને ફ્રોસ્ટબાઈટ એટલે કે ઠંડીના કારણે અંગો ખોટાં પડી જવાનો ખતરો ખુબ વધી જાય છે. કાતિલ ઠંડીનો આ અનુભવ ગુરુવાર સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. આ દરમિયાન એવી આગાહી પણ કરવામાં આવી છે કે, શિકાગોનું તાપમાન એન્ટાર્કટિકાથી પણ નીચું જશે.

બીજી તરફ ઈલિનોઈસ શહેરનું તાપમાન માઈનસ ૨૭ ડિગ્રી સુધી જઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઠંડા પવનોના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થશે. વિસ્કોન્સિનમાં બે ફૂટ અને ઈલિનોઈસમાં છ ઈંચ સુધી બરફ પડવાની શક્યતા પણ છે. અલ્બામા અને જ્યોર્જિયામાં પણ બરફવર્ષા ચાલુ છે.

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મોરેક્કો તરફ ગયેલા ગરમ પવનોના કારણે ઉત્તરીય ધ્રુવ પર ગરમી વધી ગઈ અને તેના કારણે ત્યાં બ્લાસ્ટ થયા છે. આ કારણે તાપમાન માઈનસ ૭૦ સુધી જાય તો પણ નવાઈ નહીં તેવું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

બીજી તરફ ઠંડી વધવાની ચેતવણી જારી થયા બાદ અનેક શહેરોમાં લૂંટફાટની ઘટનાઓમાં ઓચિંતો વધારો નોંધાયો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, શિકાગો પોલીસે જમાવ્યું છે કે બંદૂક બતાવીને કેટલાક લોકોએ ગરમ કોટ, જેકેટ અને સ્વેટરની લૂંટ ચલાવી હતી.

શિકાગોના બ્રૂકફિલ્ડ ઝૂને ગુરુવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા ૮૫ વર્ષમાં આ ફક્ત ચોથી વખત છે જ્યારે આ પ્રખ્યાત ઝૂને બંધ રાખવામાં આવ્યું છે. અમેરિકાથી આવતી અને ત્યાં જતી લગભગ ૧૧૦૦ ફ્લાઈટ મંગલવારે રદ કરવાની ફરજ પડી હતી.

દરમિયાન ઉત્તર ભારતમાં પડી રહેલી કાતિલ ઠંડીનું કારણ પણ આર્કટિક ક્ષેત્રના કોલ્ડ બ્લાસ્ટને ગણાવવામાં આવે છે. પોલર વોર્ટેક્સ નામના પવનના સંચાલન તૂટવાના કારણે ડિસેમ્બર મહિનાના અંતથી દક્ષિણ તરફ તે સતત ફેલાઈ રહી છે. આઈએમડી લોન્ગ રેન્જના પ્રમુખ ડી. શિવાનંદ પાઈએ જણાવ્યું કે, આર્કટિકથી નીકળનારી ઠંડી યુરોપ અને અમેરિકામાં દક્ષિણ તરફ ફેલાઈ રહી છે, જે ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. સાદી ભાષામાં કહીએ તો સમગ્ર ઉત્તર ભારતમાં આતંક મચાવી રહેલી કાતિલ ઠંડીને આ પવન દક્ષિણી યુરોપથી ઉત્તર ભારત તરફ લાવી રહ્યા છે.

You might also like
728_90