અમ્પાયરના નિર્ણયથી ભડકેલો ધોની પિચ પર દોડી ગયો : મેચ ફીના ૫૦ ટકાનો દંડ

આઈપીએલની ૨૫મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે જીત તો મેળવી લીધી, પરંતુ ‘કેપ્ટન કૂલ‘ મહેન્દ્રસિંહ ધોની આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી જાહેર થયો હતો. જયપુરમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ બાદ ધોની પર આચારસંહિતાના ભંગ બદલ મેચ ફીના ૫૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આઈપીએલની આચારસંહિતાના અનુચ્છેદ ૨.૨૦ હેઠળ ધોનીએ લેવલ-૨નો અપરાધ સ્વીકારી લીધો છે. આ અનુચ્છેદ ખેલ ભાવનાથી વિપરિત આચરણ સાથે જોડાયેલો છે.

ઉલ્લેખનીય છે કે, ગમે તેવી દબાણવાળી પરિસ્થિતિમાં પણ ‘કૂલ’ રહેતા એમ.એસ. ધોનીને ભાગ્યે જ લોકોએ પિત્તો ગુમાવતો જોયો છે. ધોની મેદાન પર ભાગ્યે જ ભડકતો હોય છે, પણ રાજસ્થાન રોયલ્સ સામેની રોમાંચક મેચમાં અમ્પાયરે અંતિમ ઓવરોમાં કરેલી ભૂલથી ધોની એકદમ ભડકી ગયો હતો અને ભયંકર ગુસ્સામાં પિચ પર દોડી આવ્યો હતો.

હકીકતમાં મેચની અંતિમ ઓવરના ત્રીજા બોલ પર મહેન્દ્રસિંહ ધોનીના આઉટ થયા બાદ ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે ૩ બોલમાં ૮ રનની જરૂર હતી. ધોનીના આઉટ થયા બાદ મિશેલ સેન્ટનર બેટિંગ માટે મેદાન પર આવ્યો હતો. એ વખતે રાજસ્થાન રોયલ્સનો બોલર બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો. બેન સ્ટોક્સની એ ઓવરના ચોથા બોલ પર સેન્ટનરે દોડીને ૨ રન લીધા હતા.

એ વખતે બેન સ્ટોક્સના એ બોલને મેદાન પરના અમ્પાયરે પહેલાં નોબોલ જાહેર કર્યો, પરંતુ તુરંત એ નિર્ણય ફેરવી નાખ્યો હતો. આ વાતથી ધોની એટલો નારાજ થઈ ગયો કે તે મેદાન પર દોડી આવ્યો અને તેણે અમ્પાયરને ખખડાવી નાંખ્યા હતા. ધોનીનો દાવો હતો કે, એ બોલ કમરથી ઉપર હતો એટલે તેને નો બોલ જાહેર કરવો જોઈએ.

અમ્પાયરે તેમનો ફેંસલો બદલવાનો ઈનકાર કરતાં ધોનીનો પિત્તો ફાટ્યો હતો અને તેણે રીતસર ઝઘડો શરૂ કરી દીધો હતો. અંતિમ બોલ પર ત્રણ રનની જરૂર હતી ત્યારે સેન્ટનરે સિક્સ ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી, પરંતુ ધોનીએ કરેલા વર્તનની સોશિયલ મીડિયા પર પણ બહુ આકરી ટીકા થઈ હતી.

You might also like